સત્ય. સાહસ. સંકલ્પ.

ધોળકામાં મેવાણીના સમર્થનમાં 300થી વધુ લોકોનું શક્તિપ્રદર્શન, મામલતદારને આવેદનપત્ર

ધોળકામાં મેવાણીના સમર્થનમાં 300થી વધુ લોકોનું શક્તિપ્રદર્શન, મામલતદારને આવેદનપત્ર

ધોળકામાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં સોમવારે (5 ઓક્ટોબર) 300થી વધુ લોકોએ શક્તિપ્રદર્શન કર્યું હતું. ભેટાવાડા, ત્રાસદ, પાલડી, અંબારેલી અને નેસડા સહિતના ગામોના લોકોએ ધોળકા સેવાસદન પહોંચીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

આ આવેદનપત્રમાં મેવાણી પર થયેલા આક્ષેપોને ખોટા ગણાવાયા છે. લોકોનું કહેવું છે કે 24 સપ્ટેમ્બરે પ્રદૂષણ મુદ્દે કાઢેલી રેલીમાં ભાજપ વિરુદ્ધ સોગંદ લેવાયા બાદ, ભાજપે મેવાણીને બદનામ કરવા માટે રાજકીય ષડયંત્ર રચ્યું છે.

આવેદનપત્ર મુજબ, યાકુબ શેરસીયા અને અરુણા પરમારે કરેલા તમામ આક્ષેપો ખોટા છે. યાકુબ શેરસીયાએ જિજ્ઞેશ મેવાણી પર ₹4 લાખ લીધા હોવાનો નાણાકીય આક્ષેપ કર્યો હતો, જ્યારે અરુણા પરમાર નામની મહિલાએ મેવાણી તેમને હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. પત્રમાં દાવો કરાયો છે કે યાકુબ શેરસીયા પોતે લાંચ લેતા પકડાયેલો અને ગુનાહિત રેકોર્ડ ધરાવતો શખ્સ છે.

આ ઉપરાંત, ભાજપના બનાસકાંઠા જિલ્લા પ્રભારી ધવલ દવે દ્વારા જિજ્ઞેશ મેવાણીના બહેન સામે કરાયેલી ટિપ્પણી સામે ભારે રોષ વ્યાપી ગયો છે. આ મામલે પ્રેમજીભાઈ પરમારે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં પુરાવા સાથે લેખિત અરજી આપીને ધવલ દવે સામે કાર્યવાહીની માંગ કરી છે.

બીજી તરફ, ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયેલા જિજ્ઞેશ મેવાણી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પોલીસે અંદર પ્રવેશવા ન દેતાં તેને તાનાશાહી ગણાવાયું છે. આવેદનપત્રમાં આ અંગે આકરો વિરોધ નોંધાવીને ખોટા આક્ષેપો કરનારા તમામ તત્વો સામે સખત શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરાઈ છે.