અમદાવાદના સોલા વિસ્તારમાં જાણીતા ગાયક જીગરદાન ગઢવીના 'સાચી નવરાત્રિ' નામના ગરબા વિવાદમાં સપડાયા છે. આયોજકો પાસે ફાયર વિભાગની જરૂરી NOC નથી, અને પોલીસે પણ હજુ સુધી સત્તાવાર પરમિશન આપી નથી. આમ છતાં નવરાત્રિના પહેલા નોરતે બંધ AC ડોમમાં હજારો લોકોની ભીડ એકઠી કરવામાં આવી હતી.
ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા ન હોવાથી અને NOC ન મળવાને કારણે પોલીસે આ ગરબા માટે પરમિશન આપી નથી. આ મામલે તંત્રે આયોજકોને આજે સાંજે 4 વાગ્યા સુધીમાં ફાયર NOC મેળવી લેવાની કડક સૂચના આપી છે. જો 4 વાગ્યા સુધીમાં ક્લિયરન્સ નહીં આવે, તો આજની નવરાત્રિ માટે પોલીસ પરમિશન નહીં મળે.
આ અનિશ્ચિતતાને કારણે જે ખેલૈયાઓએ હજારો રૂપિયા ખર્ચીને સીઝન પાસ ખરીદ્યા છે, તેઓ ભારે મુંઝવણમાં છે. જીગરદાન ગઢવીના સૂર પર આજે ખેલૈયાઓ ઝૂમી શકશે કે નહીં તે મોટો સવાલ બન્યો છે. આયોજકોએ પણ સ્વીકાર્યું છે કે તેમની પાસે મંજૂરી નથી.
આ ઘટનામાં સ્થાનિક સોલા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. પહેલા નોરતે જ્યારે હજારો લોકોના જીવ જોખમમાં હતા, ત્યારે મંજૂરી વગરના ગરબા ધમધમતા રહ્યા અને પોલીસે માત્ર તમાશો જ જોયો. કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતી પોલીસ આટલા મોટા અને જોખમી આયોજન સામે માત્ર સામાન્ય સૂચના આપીને સંતોષ માની લે તે કેટલું વ્યાજબી છે? હજારોની ભીડ વચ્ચે પોલીસનું આ મૌન શંકાઓને જન્મ આપે છે.
એક જાણીતા કલાકાર તરીકે જીગરદાન ગઢવીએ પરમિશન ન હોવા છતાં સ્ટેજ પર પર્ફોર્મન્સ કેમ કર્યું તે અંગે લોકોમાં આશ્ચર્ય અને રોષ છે. સામાન્ય જનતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે, જ્યાં વ્યાવસાયિક આયોજકો પોતાના આર્થિક નફા માટે નાગરિકોની સુરક્ષા સાથે બાંધછોડ કરે છે.
આયોજકો પાસે ફાયર વિભાગની NOC નથી અને પોલીસ પરમિશન પણ નથી. બંધ AC ડોમમાં વગર મંજૂરીએ હજારો લોકો ભેગા થયા હતા. આગ જેવી દુર્ઘટના બને તો મોટી જાનહાનિ થઈ શકે છે. હજારો રૂપિયાના સીઝન પાસ ખરીદનારા ખેલૈયાઓ આજે ગરબા રમી શકશે કે નહીં તે અનિશ્ચિત છે.