અમદાવાદના ન્યુ સાયન્સ સિટી રોડ પર જાણીતા ગાયક જીગરદાન ગઢવીના 'સાચી નવરાત્રિ' ગરબા મહોત્સવમાં ફાયર NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) અને પોલીસની પૂર્વ મંજૂરી વગર જ ગરબાનું આયોજન થયું છે. આ મામલે ફાયર વિભાગે તપાસ કરી છે અને આયોજકોને નોટિસ આપવાની તૈયારી બતાવી છે.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, 11 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યે અને રાત્રે 9:30 વાગ્યે અમદાવાદ ફાયર બ્રિગેડ અને સોલા પોલીસની ટીમોએ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નિયમ મુજબની સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ ન થઈ હોવાના કારણે ફાયર વિભાગે NOC આપવામાં આવી નહોતી. નિયમ મુજબ, ફાયર NOC વગર પોલીસ પણ મંજૂરી આપતી નથી, છતાં આયોજકોએ ગરબા શરૂ કરી દીધા હતા, જેમાં અંદાજે 3થી 4 હજાર ખેલૈયાઓ એકઠા થયા હતા.
ફાયર વિભાગના અધિકારી મિથુન મિસ્ત્રીએ 'દિવ્ય ભાસ્કર'ને જણાવ્યું કે, 'સાચી નવરાત્રિ'ના આયોજકોને નોટિસ આપવામાં આવશે અને આ બાબતે પોલીસને પણ જાણ કરાશે. તેમણે કહ્યું કે ગઈકાલે (11 ઓક્ટોબર) રાત્રે 9:30 વાગ્યે લાઈટ પણ ગઈ હતી, ત્યારે આ બાબતે પણ સૂચના આપવામાં આવી હતી. આજે જો ફાયરના તમામ નિયમોનું પાલન થશે તો જ NOC આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગરબા સ્થળે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન થતાં NOC અપાઈ ન હતી. ગઈકાલે રાત્રે તપાસ બાદ પણ ફાયર એનઓસી આપવામાં આવી નહોતી. જોકે, આયોજકો દ્વારા ગરબા શરૂ કરી દેવાયા હતા, જેમાં 3 હજારથી વધુ ખેલૈયા એકઠા થયાં હતાં.