સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં જીગરદાન ગઢવીના ગરબા વિવાદમાં ફાયર NOC અને પોલીસ પરમિશનના સવાલ

અમદાવાદમાં જીગરદાન ગઢવીના ગરબા વિવાદમાં ફાયર NOC અને પોલીસ પરમિશનના સવાલ

અમદાવાદના ન્યુ સાયન્સ સિટી રોડ પર આવેલા જીગરદાન ગઢવીના AC ડોમ ખાતે યોજાયેલા ગરબામાં વિવાદ સર્જાયો છે. આ ગરબા ફાયર NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) વિના જ યોજાતા હોવાનું સામે આવ્યું છે, જેનાથી ખેલૈયાઓના જીવ જોખમમાં મુકાયા હતા. ફાયર ટીમે ચાર વખત સ્થળની તપાસ કરી હોવા છતાં રવિવારે રાત્રે એક વાગ્યા સુધી ગરબા ચાલુ રહ્યા હતા. આખરે મંગળવારે રાત્રે પોલીસે પરમિશન ન હોવાના કારણે ગરબા બંધ કરાવ્યા હતા. પરંતુ NOC વિના પોલીસ બંદોબસ્ત કોના ઈશારે આપવામાં આવ્યો, તે અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

આયોજકોએ સરકારની ગાઈડલાઈન મુજબ ફાયર બ્રિગેડની પરમિશન લીધી ન હતી, જેથી ફાયર વિભાગે NOC આપ્યું ન હતું. ફાયર NOC વિના પોલીસ પરમિશન પણ મળી શકે તેમ ન હતું, તેથી આયોજકોએ પોલીસ કમિશનર કચેરીની લાયસન્સ શાખામાં અરજી કરી ન હતી. ફાયર અધિકારીઓએ ત્રણ દિવસ સુધી સ્થળની તપાસ કરી હતી, જેમાં આવવા-જવા માટેના રસ્તા ખુલ્લા ન હતા અને ચારેતરફ કચરાના ઢગલા હોવાથી ગંદકી હતી. ખેલૈયાઓ પાસેથી ધરખમ ફી વસૂલવામાં આવી હોવા છતાં કોઈ સેફ્ટી વ્યવસ્થા ન હતી.

રવિવારે ગરબા સ્થળે ડોમ નીચે અને પાછળ ઈલેક્ટ્રિકના ખુલ્લા જીવતા વાયરો હતા, જે ફાયર બ્રિગેડની સૂચના છતાં કન્સિલ્ડ કરવામાં આવ્યા ન હતા. આવી જોખમી સ્થિતિ વચ્ચે રવિવારે રાત્રે એક વાગ્યા સુધી ગરબા રમાડવામાં આવ્યા હતા. ફાયર એસ્ટિંગ્યુશર, ઈમરજન્સી એક્ઝિટ, સંપૂર્ણ AC ડોમમાં લગાડેલા કપડા અને ગ્રાઉન્ડની કાર્પેટ પર ફાયર રેઝિસ્ટન્સ સ્પ્રે કરવા માટે કહેવામાં આવ્યું હતું, તેમ છતાં ગઈકાલે રાત સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવી ન હતી. જેથી આગ લાગે તો ગ્રાઉન્ડ ફ્લોર પર કપડામાં આગ ફેલાવાની સંભાવના વ્યક્ત કરી ફાયર બ્રિગેડે નોટિસ આપી હતી.

ગરબાની ફાયર બ્રિગેડે NOC અને પોલીસની પરમિશન ન હતી તો રવિવારે ગરબા યોજાયા તેમાં કોના ઈશારે પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો? પોલીસે ગરબા કેમ બંધ કરાવ્યા નહીં? ફાયર બ્રિગેડે ત્રણ દિવસ ધક્કા ખાધા પછી અપૂર્ણતાઓ હોવા છતાં રવિવારે ગરબા કેમ કરવા દીધા? એવા અનેક સવાલો ચર્ચામાં છે.

બીજા નોરતે એન્ટ્રી ન મળતા ખેલૈયાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. રાત્રે 9 વાગ્યાથી મોંઘા પાસ લઈને ગેટ પાસે રાહ જોઈને ઊભેલા ખેલૈયાઓને કલાકો સુધી પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. એન્ટ્રી કેમ નથી અપાતી તેનો આયોજકો તરફથી કોઈ યોગ્ય જવાબ ન મળતા રોષે ભરાયેલા ખેલૈયાઓએ ધક્કામુક્કી કરીને AC ડોમમાં ઘૂસી જઈને પોસ્ટર ફાડી તોડફોડ કરી હતી અને રિફંડ આપવાના નારા લગાવ્યા હતા.

આ સમગ્ર વિવાદ પાછળનું મુખ્ય કારણ પોલીસની મંજૂરી ન હોવાનું સામે આવ્યું છે. સાચી નવરાત્રિમાં ફાયર વિભાગની પરવાનગી મળી ગઈ હતી, પરંતુ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ન આવ્યો હોવાથી પોલીસ દ્વારા ગરબા યોજવા માટે પરવાનગી આપવામાં આવી ન હતી. પોલીસની મંજૂરી ન મળતા આખરે ગરબા શરૂ ન થઈ શક્યા, જ્યારે આશ્ચર્યની વાત એ છે કે પહેલા નોરતે કોઈપણ જાતની મંજૂરી વગર જ ગરબા યોજવામાં આવ્યા હતા.