ગુજરાતમાં નવરાત્રિના બે દિવસ પહેલાં જ પ્રી-નવરાત્રિનો માહોલ જામી ચૂક્યો છે. આવતીકાલે એટલે કે 10 ઓક્ટોબરથી 'ચણિયા ચોળી' સોંગથી ફેમ થયેલા જીગરદાન ગઢવી (જીગરા) અમદાવાદમાં ખેલૈયાઓને ડોલાવશે. સતત 10 દિવસ ચાલતી 'સાચી નવરાત્રિ' એસી ડોમમાં યોજાશે.
‘આ નવરાત્રિમાં મારું સપનું સાકાર થયું’
નવરાત્રિને લઈને જીગરદાન ગઢવી આ વખતે ખૂબ ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે, વર્ષોથી એક વાત વિચારતો હતો કે આજ સુધી મેં 51 શક્તિપીઠમાંથી માત્ર અંબાજીમાં જ દર્શન કર્યાં છે. વિચાર હતો કે 51 શક્તિપીઠની પ્રતિકૃતિ કેમ ન બનાવી શકાય, જ્યાં ખેલૈયા-ભક્તો રમતા હોય છે. તો એ સપનું આ નવરાત્રિમાં સાકાર થયું છે.
જીગરાએ કહ્યું, 'માતાજીના ખોળે જાણે રમતા હોય એવો માહોલ, એવો ભાવ અને એવો અનુભવ ઊભો કરવાની અમે કોશિશ કરી રહ્યા છીએ. તમે ડોમમાં પ્રવેશ કરશો એટલે તમને 51 શક્તિપીઠના દર્શન થશે. આજુબાજુ તમને માતાજી દેખાશે અને જાણે એમના ખોળે રમતા હોવાની ફીલ આવશે.'
‘થીમ તરીકે વિચાર્યું ને બહેનોએ સુપરહિટ કરી દીધું’
હીટ ન જાય એવું લાગતું હોય છતાં વાઇરલ થયેલા 'ચણિયા ચોળી' સોંગ વિશે જીગરાએ કહ્યું કે, 'હું આ સોંગ બનાવતો હતો ત્યારે મને એવું નહોતું લાગતું કે આ આટલું બધું હીટ જશે. મેં એક થીમ તરીકે વિચાર્યું હતું. જો કે બહેનોએ એને એટલું વધાવ્યું કે એ સુપરહિટ બની ગયું.'
‘વિદેશ જાવ ત્યારે પત્નીને ખૂબ મિસ કરું છું’
પર્સનલ લાઈફ અને ફિટનેસ અંગે જીગરાએ કહ્યું કે, 'વર્ષમાં લગભગ 6 મહિના જીમ થાય છે. એનાથી વધારે કરવું હોય તો પણ પછી નથી કરી શકાતું. નવરાત્રિ દરમિયાન ખાસ કરીને ફરજિયાત 9થી 10 કલાકની ઊંઘ લઉં છું. જ્યારે હું વિદેશ જાઉં ત્યારે ખૂબ અઘરું થઈ જાય છે, કારણ કે સાડા ત્રણ મહિના અમે દૂર રહેતા હોઈએ છીએ. આ સમય ખૂબ અઘરો હોય છે. જો કે તે પછી અમે સારા લાંબા વેકેશન પર જતા રહીએ છીએ.'
તેમણે વધુમાં જણાવ્યું કે, 'યતી (પત્ની) મારા માટે મીઠું નાખીને ગરમ પાણી આપે તો હું કોગળા કરું છું, જેથી ગળાને રાહત રહે. ખોટું કે નુકસાનકારક કોઈ વસ્તુ ખાવાનું હું ટાળું છું.'
‘એક વાર અચાનક જ સાઉન્ડ બંધ થઈ ગયું’
ક્રેઝી ફેન્સ વિશે જીગરાએ કહ્યું કે, સ્ટેજ પર ઘણીવાર ફેન્સ આવી જાય છે અને અચાનક નાચવા લાગે છે. 'એક વાર હું યુએસ ટ્રીપમાં હતો ત્યારે એક ફેન સ્ટેજ પર આવીને નાચવા લાગ્યો અને તેનાથી વાયર્સમાં પગ ફસાયો. ત્યારે અચાનક જ સાઉન્ડ બંધ થઈ ગયું હતું. એ ક્ષણ ફની પણ હતી, ફ્રસ્ટ્રેટિંગ પણ અને ગુસ્સો પણ આવ્યો.'
‘એસી ડોમમાં ગુજરાતમાં હાઉસફૂલ થશે’
એસી ડોમમાં ગરબાના ટ્રેન્ડ વિશે જીગરાનું માનવું છે કે, 'અમદાવાદમાં વર્ષ 2023માં એસી ડોમમાં નવરાત્રિ શરૂ કરવાનો લ્હાવો મળ્યો હતો. નવરાત્રિ દરમિયાન ચોમાસાનો માહોલ હોય છે. આયોજકોથી લઈને બધા મહેનત કરે, ખર્ચો થાય અને પછી વરસાદ પડે તો બધું બંધ થઈ જાય અને લોકો નિરાશ થાય. એના કરતાં ડોમ હોય તો સારું. હવે એસી ડોમમાં ગરબા વધશે અને ગુજરાતમાં બધે હાઉસફૂલ થશે.'
‘ક્રિકેટ રમવું પસંદ, દાળ-ભાત ફેવરિટ’
સંગીત સિવાયની પ્રવૃત્તિ અંગે તેમણે કહ્યું કે, 'સંગીત મારા માટે બધું જ છે. પરંતુ હું ક્રિકેટ રમવાનો શોખીન છું, એટલે જો ગ્રાઉન્ડ પર ન રમવા મળે તો ફોનમાં રમી લઉં છું. ગુજરાતી ભોજનમાં બહાર કે અહીં દાળ-ભાત ખૂબ ભાવે છે.'
‘સ્ટેજ પર સોંગ ભૂલી જાવ તો રિધમવાળા ગભરાઈ જાય છે’
ગીતના લિરિક્સ ભૂલવા અંગે જીગરાએ જણાવ્યું કે, 'મને આદત છે એટલે ઘણીવાર ભૂલી જાઉં છું. ગરબામાં પણ કોન્સર્ટની જેમ ખેલૈયાઓ આગળ ઊભા રહે છે. હું તમામને વિનંતી કરું કે રમવા જાઓ, તેમ છતાં આગળ જ ઊભા રહેતા હોય છે. ક્યારેક એવું થાય કે કોઈ ફોન આપે, ઓટોગ્રાફ માટે કાગળ ફેંકી દે અને ટી-શર્ટ પણ ફેંકી દે, ત્યારે સોંગની આખી લાઈન સ્કીપ થઈ જાય છે. એ સાથે રિધમવાળા પણ ગભરાઈ જાય કે આ શું થયું.'
‘ખેલૈયાઓને યાદગાર નવરાત્રિનો અનુભવ આપવાનો હેતુ’
આયોજકોનું કહેવું છે કે, ખેલૈયાઓ માટે એસી ડોમમાં પ્રીમિયમ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, અલગથી સંપૂર્ણ એસી ફૂડ ડોમ પણ તૈયાર કરવામાં આવશે, જ્યાં વિવિધ પ્રકારની વાનગીઓનો સ્વાદ માણી શકાશે. વીઆઈપી મહેમાનો સહિત ખેલૈયાઓ માટે પાર્કિંગની સુવિધા પણ રહેશે.