સત્ય. સાહસ. સંકલ્પ.

ઝીરમ ઘાટી હત્યાકાંડ: 13 વર્ષ બાદ 10 દોષિતોને ફાંસીની સજા

ઝીરમ ઘાટી હત્યાકાંડ: 13 વર્ષ બાદ 10 દોષિતોને ફાંસીની સજા

છત્તીસગઢના ઝીરમ ઘાટી હત્યાકાંડ કેસમાં 13 વર્ષ બાદ જગદલપુરની વિશેષ NIA અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે 2 મહિલાઓ સહિત તમામ 10 દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. 2013માં કોંગ્રેસની પરિવર્તન યાત્રા પર થયેલા નક્સલવાદી હુમલામાં 29 લોકોના મોત થયા હતા. 101 સાક્ષીઓના નિવેદનો અને NIAના પુરાવાઓના આધારે આ નિર્ણય આવ્યો છે. બચાવ પક્ષે હાઈકોર્ટમાં અપીલ કરવાની જાહેરાત કરી છે.

શું હતી ઘટના? 25 મે 2013ના રોજ દરભા ઘાટીના ઝીરમ વિસ્તારમાં કોંગ્રેસની 'પરિવર્તન યાત્રા' પર નક્સલીઓએ ઘાતકી હુમલો કર્યો હતો. નક્સલીઓએ યાત્રાને ચારેય તરફથી ઘેરીને અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત 29 લોકો માર્યા ગયા હતા.

દોષિત ઠેરવાયેલા 10 આરોપીઓ અને તેમની ભૂમિકા:

  • પ્રમિલા મોડિયમ જ્યોતિ: મિલિટ્રી કંપની નંબર-2 સાથે ઝીરમ પહોંચીને હુમલો કર્યો અને હથિયારો લૂંટ્યા.
  • ચૈતૂ લેકામ: PLGA નો સેક્શન કમાન્ડર, જે પીડિયાથી ઝીરમ પહોંચ્યો હતો અને વિસ્ફોટકોના પુરાવા પણ મળ્યા હતા.
  • સુમિત્રા ઉર્ફે સુમિત્રા પુનેમ મોડિયમ: સીધા હુમલામાં સક્રિય રીતે ભાગ લીધો હતો.
  • મુક્કા મંડાવી: હથિયારો સાથે હુમલામાં સામેલ થયો અને પોલીસકર્મીઓના હથિયારો છીનવી લીધા.
  • કવાસી કોસા: હુમલામાં સીધો સામેલ રહ્યો અને પોલીસના હથિયારોની લૂંટ કરી.
  • આયતા મડકમ: કોલેંગ અને કંડાન થી ચોખા તેમજ અન્ય લોજિસ્ટિક સામગ્રી હુમલાખોરો સુધી પહોંચાડી.
  • મડકમિ દેવા: દરભા ડિવિઝન કમિટીનો સભ્ય, જેણે હુમલા માટે જરૂરી લોજિસ્ટિક સપોર્ટ આપ્યો.
  • જોગા મડકમી: હત્યાકાંડના ષડયંત્ર અને હુમલામાં સક્રિય ભૂમિકા ભજવી.
  • બંજમી સના: દરભા ડિવિઝન કમિટીની સભ્ય, જેણે ભોજન, લોજિસ્ટિક અને ફંડની ઉઘરાણીની વ્યવસ્થા કરી.
  • મહાદેવ: હુમલાના સ્થળ પર પ્રત્યક્ષ હાજરી અને હુમલામાં સક્રિય ભાગીદારી સાબિત થઈ.

આ ચુકાદા બાદ બચાવ પક્ષના વકીલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરશે. કોપી મળ્યા પછી સમગ્ર ચુકાદાનો અભ્યાસ કરીને આગળની કાનૂની લડત લડવામાં આવશે.