સત્ય. સાહસ. સંકલ્પ.

સ્કોરરની ભૂલથી ઝારખંડ મહિલા અંડર-19 ટીમ 1 રને હારી, BCCIને ફરિયાદ

સ્કોરરની ભૂલથી ઝારખંડ મહિલા અંડર-19 ટીમ 1 રને હારી, BCCIને ફરિયાદ

ઝારખંડ ક્રિકેટ એસોસિએશન (JCA)એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં મહિલા અંડર-19 ટુર્નામેન્ટમાં ઉત્તરાખંડ સામે એક રનથી થયેલા પરાજય માટે સત્તાવાર સ્કોરરની ભૂલને જવાબદાર ઠેરવવામાં આવી છે. આ ભૂલને કારણે ઝારખંડની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

આ ઘટના ગયા મંગળવારે નાગપુરમાં બની હતી. તે મેચમાં ઉત્તરાખંડે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 134 રન બનાવ્યા હતા. જવાબમાં ઝારખંડની ટીમ તેની ઇનિંગના છેલ્લા બોલ પર 133 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને એક રનથી મેચ હારી ગઈ હતી.

JCAના દાવા મુજબ, જ્યારે તેમનો બેટ્સમેન 19.4 ઓવરમાં બીજો રન લેવાનો પ્રયાસ કરી રન આઉટ થયો, ત્યારે સત્તાવાર સ્કોરરે પહેલો રન રેકોર્ડ કર્યો ન હતો. સ્કોરરે ફક્ત રન-આઉટ રેકોર્ડ કર્યો હતો, જે ટીમના કુલ સ્કોરમાં ઉમેરાયો ન હતો. ઝારખંડની ખેલાડીઓ માનતી હતી કે તેમને જીતવા માટે 2 રન અને ટાઈ માટે એક રનની જરૂર છે. જ્યારે તેઓ એક સિંગલ રન પૂર્ણ કરવા અને છેલ્લા બોલ પર રન-આઉટ થવા છતાં, એક રનથી હારી ગયા ત્યારે તેઓ ચોંકી ગયા.

પોતાની ફરિયાદમાં JCAએ જણાવ્યું હતું કે મેદાન પર દૂરના સ્કોરબોર્ડ પર રન ઉમેરવામાં આવ્યો હતો, જેને ખેલાડીઓએ સાચો માન્યો હતો. જોકે, મુખ્ય સ્કોરરે તેને રેકોર્ડ કર્યો ન હતો. ખેલાડીઓએ નાગપુરના અમૃતબાઈ ડાગા કોલેજ ગ્રાઉન્ડ પર સ્કોરર સાથે દલીલ પણ કરી હતી, પરંતુ તે પોતાના વલણ પર અડગ રહ્યો.

ઝારખંડ ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “દૂરના સ્કોરબોર્ડ પર દરેક બોલ પછી અપડેટેડ સ્કોર દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ મુખ્ય સ્કોરર રન ઉમેરવાનું ભૂલી ગયો હતો, જેના કારણે અમે મેચ ટાઇ ન કરી શક્યા. અમે સ્કોરરને સુધારો કરવા વિનંતી કરી હતી, પરંતુ તેણે સુધારો કર્યો નહીં.” અધિકારીએ ઉમેર્યું હતું કે, નિયમો અનુસાર, અમ્પાયરોએ સ્કોરબોર્ડ ચલાવનાર વ્યક્તિ પર નહીં, પરંતુ મુખ્ય સ્કોરર પર નિર્ણય લેવાનો હોય છે. હવે સમગ્ર મામલે તપાસની માંગ કરવામાં આવી છે.