ઝારખંડના સરાયકેલા-ખરસાવા જિલ્લાના ગમરિયા પોલીસ સ્ટેશનમાં 20 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના 29 ઓક્ટોબરની રાત્રે બની હતી. મામલામાં પોલીસે સ્ટેશન ઇન્ચાર્જ સહિત 15 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે અને વાયરલેસ ઓપરેટર સહિત ત્રણ આરોપી પોલીસકર્મીઓની ધરપકડ કરી છે. આરોપી પોલીસકર્મીઓમાં સસ્પેન્ડેડ સબ-ઇન્સ્પેક્ટર મનોજ સાહુ અને કોન્સ્ટેબલ સંતોષ રાયનો સમાવેશ થાય છે.
પીડિતાએ પોલીસને આપેલી ફરિયાદ મુજબ, તે દિવસે સાંજે તેનો પતિ સાથે ઝઘડો થયો હતો. પતિ મારઝૂડ કરશે એવા ડરથી તે ઘરની બહાર નીકળી ગઈ અને એક પડોશીના ઘરેથી મોબાઈલ ફોન દ્વારા પોલીસનો સંપર્ક કર્યો. પોલીસની પીસીઆર વાન ત્યાં પહોંચી અને તેને પોલીસ સ્ટેશન લઈ આવી. સ્ટેશનમાં હાજર અધિકારીઓએ તેને આરામ કરવા માટે સ્ટેશનમાં જ એક રૂમ આપ્યો હતો.
પીડિતાના નિવેદન પ્રમાણે, જ્યારે તે રૂમમાં હતી ત્યારે સ્ટેશનનો વાયરલેસ ઓપરેટર તે રૂમમાં આવ્યો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું. પીડિતાએ મદદ માટે બૂમો પાડી હતી, પરંતુ કોઈએ તેની મદદ કરી નહોતી.
સરાયકેલા-ખરસાવાના પોલીસ અધિક્ષક (એસપી) મનોજ સ્વર્ગિયારીએ ઘટનાના બીજા દિવસે જ વિશેષ તપાસ ટુકડી (એસઆઈટી)ની રચના કરી હતી. શનિવારે એસઆઈટીએ પોતાનો અહેવાલ સોંપ્યો, જેના આધારે આ ધરપકડ અને સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ અધિક્ષકે નિષ્પક્ષ તપાસ અને તમામ દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
આ ઘટનાને લઈને ઝારખંડનું રાજકારણ ગરમાયું છે. ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નીરા યાદવે હેમંત સોરેન સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે આ માત્ર એક મહિલા વિરુદ્ધનો અપરાધ નથી, પરંતુ સમગ્ર પોલીસ વ્યવસ્થા અને રાજ્ય સરકારની જવાબદારી પર પ્રશ્નો ઊભા કરે છે. ભાજપે પીડિતાને વહેલી તકે ન્યાય અપાવવાની અને કાયદો-વ્યવસ્થા સુધારવાની માંગ કરી છે.