સત્ય. સાહસ. સંકલ્પ.

ઝારખંડના મંત્રી સુદિવ્ય કુમાર સોનુનું હૃદયરોગના હુમલાથી નિધન

ઝારખંડના મંત્રી સુદિવ્ય કુમાર સોનુનું હૃદયરોગના હુમલાથી નિધન

ઝારખંડના રાજકારણ માટે રવિવારે દુઃખદ સમાચાર આવ્યા. ગિરીડીહના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી સુદિવ્ય કુમાર સોનુનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. તેઓ મુખ્યમંત્રી હેમંત સોરેનના ખાસ વિશ્વાસુ માનવામાં આવતા હતા.

સૂત્રો અનુસાર, સવારે અચાનક તબિયત લથડતાં તેમને ગિરીડીહની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ સમાચાર ફેલાતાં જ ગિરીડીહ અને સમગ્ર ઝારખંડમાં શોકની લહેર ફરી વળી છે.

સુદિવ્ય કુમાર સોનુ ઝારખંડ મુક્તિ મોરચા (JMM) તરફથી ગિરીડીહ વિધાનસભા સીટ પરથી સતત બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. રાજકારણમાં તેમની પકડ મજબૂત હતી અને તેઓ જનતા વચ્ચે સક્રિય રહેતા નેતા તરીકે જાણીતા હતા.

સરકારમાં તેમની પાસે નગર વિકાસ વિભાગની જવાબદારી હતી. ઉપરાંત યુવા, રમતગમત, કલા અને સંસ્કૃતિ, પ્રવાસન અને ઉચ્ચ તથા તકનીકી શિક્ષણ જેવા મંત્રાલયો પણ સંભાળતા હતા. મુખ્યમંત્રીના તેઓ ખાસ નજીકના ગણાતા હતા.

તેમના નિધનથી JMM અને સરકારને મોટો આંચકો લાગ્યો છે. પક્ષે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી શ્રદ્ધાંજલિ આપી હતી. જેએમએમે લખ્યું, “જેએમએમ પરિવાર તેમના અકાળ નિધનથી સ્તબ્ધ અને અત્યંત દુઃખી છે.” તેમને સમર્પિત સાથી ગણાવી પક્ષે કહ્યું કે તેમનું જવું પક્ષ, સરકાર અને સમગ્ર ઝારખંડ માટે ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ છે. પક્ષે “અંતિમ જોહાર” કહી શ્રદ્ધાંજલિ આપી.

ગિરીડીહમાં સમર્થકો અને કાર્યકરોમાં ભારે શોક છે. થોડા કલાકો પહેલાં જે નેતાને લોકો પોતાની વચ્ચે જોતા હતા તેમના અચાનક ચાલ્યા જવાથી આઘાત છે. ઝારખંડની રાજનીતિએ એક યુવા અને ઊર્જાવાન નેતા ગુમાવ્યા છે.