ઝારખંડ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે રાત્રે મહિલાના ઘરમાં ઘૂસીને તેના કપડાં ઉતારવાના કૃત્યને ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ બળાત્કાર કે બળાત્કારનો પ્રયાસ ગણી શકાય નહીં. કોર્ટે આ કેસને મહિલાની લાજ લૂંટવાના ગુના તરીકે વર્ગીકૃત કર્યો છે.
આ ચુકાદો ન્યાયાધીશ પ્રદીપ કુમાર શ્રીવાસ્તવની સિંગલ બેંચે 31 ઓગસ્ટના રોજ આપ્યો હતો, જે સોમવારે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો. આ કેસ 1999નો છે, જ્યારે એક મહિલાએ ફરિયાદ કરી હતી કે આરોપી તેના ઘરમાં ઘૂસ્યો અને બળાત્કારના ઈરાદાથી તેના કપડાં ઉતારવાનો પ્રયાસ કર્યો.
ચકુલિયા પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે બળાત્કારના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. ઘાટસિલા સેશન્સ કોર્ટે 25 જુલાઈ, 2006ના રોજ આરોપીને દોષિત ઠેરવીને ચાર વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આ સજા સામે આરોપીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે બળાત્કારની નજીક પહોંચતું કોઈ પણ ખુલ્લું કૃત્ય આપોઆપ બળાત્કારના પ્રયાસનો ગુનો બની જતું નથી. કાયદામાં 'ખુલ્લા કૃત્ય'નો અર્થ એવા વાસ્તવિક અને શારીરિક પગલાં છે જે કોઈ ચોક્કસ ગુનો કરવાની યોજનાને આગળ ધપાવવા માટે લેવામાં આવ્યા હોય.
સજાના મુદ્દે હાઈકોર્ટે નોંધ્યું કે આરોપી ટ્રાયલ દરમિયાન લાંબા સમય સુધી કાનૂની કાર્યવાહીમાંથી પસાર થયો છે અને તેણે કસ્ટડીમાં આઠ મહિના ગાળ્યા છે. જેથી કોર્ટે આ આઠ મહિનાનો સમયગાળો પૂરતો ગણીને બાકીની સજા માફ કરી દીધી.