અંડર-19 મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઝારખંડ અને ઉત્તરાખંડ વચ્ચે રમાયેલી મેચમાં સ્કોરિંગને લઈને વિવાદ સર્જાયો છે. ઝારખંડ ક્રિકેટ એસોસિયેશન (JCA)નો આરોપ છે કે ઑફિશિયલ સ્કોરરે ઇનિંગ દરમિયાન બનેલો એક રન ટીમના ખાતામાં ઉમેર્યો નહોતો. આ કારણે ઝારખંડની ટીમ એક રનથી મેચ હારી ગઈ અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. એસોસિયેશને આ મામલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને લેખિત ફરિયાદ મોકલી છે.
ગયા મંગળવારે રમાયેલી આ મેચમાં ઉત્તરાખંડે પ્રથમ બેટિંગ કરતાં 6 વિકેટે 134 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઝારખંડની ટીમ છેલ્લા બોલે 133 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. સત્તાવાર સ્કોર મુજબ ઉત્તરાખંડે આ મેચ એક રનથી જીતી હતી.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ઝારખંડનો આરોપ છે કે ઇનિંગ્સની 20મી ઓવરના ચોથા બોલ પર બેટર બીજો રન લેવાનો પ્રયાસ કરતાં રનઆઉટ થઈ હતી. તે સમયે બેટર પહેલો રન પૂરો કરી ચૂકી હતી, પરંતુ ઑફિશિયલ સ્કોરરે રનઆઉટ તો નોંધ્યો, પણ પૂરો કરેલો પહેલો રન ટીમના સ્કોરમાં ઉમેર્યો નહીં.
JCA મુજબ, મેદાનના બીજા છેડે લગાવેલા સ્કોરબોર્ડ પર દરેક બોલ પછી સ્કોર અપડેટ થઈ રહ્યો હતો અને તેમાં આ રન ઉમેરવામાં આવ્યો હતો. જોકે મુખ્ય સ્કોરરના રેકોર્ડમાં આ રન ઉમેરાયો ન હતો.
ઝારખંડની ખેલાડીઓને સ્કોરબોર્ડ પર દેખાતા સ્કોરના આધારે લાગ્યું કે ટીમને જીતવા માટે વધુ બે રન અને મેચ ટાઈ કરવા માટે એક રનની જરૂર છે. છેલ્લા બોલ પર ટીમે એક રન બનાવ્યો, પરંતુ તેમ છતાં તેને એક રનથી હારેલી જાહેર કરવામાં આવી.
મેચ બાદ ઝારખંડની ખેલાડીઓએ નાગપુરના અમૃતબાઈ ડાગા કોલેજ મેદાન પર સ્કોરર સાથે આ મામલે દલીલ પણ કરી. જોકે સ્કોરરે પોતાનો નિર્ણય બદલ્યો નહીં.
ઝારખંડના એક અધિકારીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે મેદાનના બીજા છેડેના સ્કોરબોર્ડ પર દરેક બોલ પછી અપડેટ થયેલો સ્કોર દેખાઈ રહ્યો હતો, પરંતુ મુખ્ય સ્કોરર એક રન ઉમેરવાનું ભૂલી ગયા. એસોસિયેશનનો દાવો છે કે આ ભૂલને કારણે મેચ ટાઈ થઈ શકી નહોતી. તેમણે કહ્યું કે ટીમે સ્કોરમાં સુધારો કરવાની વિનંતી પણ કરી હતી, પરંતુ સ્કોરરે તે સ્વીકારી નહોતી. તેમના જણાવ્યા મુજબ, નિયમો પ્રમાણે અમ્પાયરોએ સ્કોરિંગ માટે ઑફિશિયલ સ્કોરરના રેકોર્ડ પર વિશ્વાસ કરવો પડે છે, મેદાન પર સ્કોરબોર્ડ અપડેટ કરનાર વ્યક્તિના રેકોર્ડ પર નહીં.
JCAએ આ મામલે BCCIને ફરિયાદ મોકલીને હસ્તક્ષેપની માંગ કરી છે. હવે આ વિવાદ પર બોર્ડ તરફથી થનારી કાર્યવાહી પર સૌની નજર છે.