રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા અને વીરપુર પંથકમાં ખેડૂતોએ GETCOની વીજ લાઇન સામે અનોખો વિરોધ કર્યો છે. ગયા અઠવાડિયે જેતપુર-મેવાસા વીજ લાઇનનો કંડક્ટર તૂટીને ખેતરમાં પડતાં ખેડૂતોમાં ભય અને રોષ ફેલાયો હતો. ત્યારબાદ રિપેરિંગ કામગીરી માટે પહોંચેલા GETCOના કર્મચારીઓને ખેડૂતોએ રોકી દીધા હતા. ખેડૂતોની માંગ છે કે રિપેરિંગ શરૂ કરતા પહેલાં તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે.
ખેતરમાં જ ખેડૂતોના ધરણાં
પોતાના ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇનને લઈને ખેડૂતોમાં લાંબા સમયથી નારાજગી જોવા મળી રહી છે. કંડક્ટર તૂટીને ખેતરમાં પડવાની ઘટના બાદ ખેડૂતોએ વિરોધનું વલણ અપનાવ્યું છે. ખેડૂતો ખેતરમાં જ બેનરો સાથે ધરણાં પર બેઠા છે અને GETCO સામે પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે.
ડુંગળી-રોટલો ખાઈ કર્યો અનોખો વિરોધ
વિરોધને વધુ અસરકારક બનાવવા માટે ખેડૂતોએ ખેતરમાં જ બેસીને ડુંગળી-રોટલો ખાધો હતો. બેનરો સાથે ખેડૂતો દ્વારા કરવામાં આવેલા આ વિરોધમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોનું કહેવું છે કે વીજ લાઇનના કારણે તેમના જીવ અને ખેતી બંને માટે જોખમ ઊભું થયું છે. ગયા અઠવાડિયે જેતપુર-મેવાસા વીજ લાઇનનો કંડક્ટર તૂટીને એક ખેતરમાં પડ્યો હતો. આ ઘટનાથી ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના બાદ GETCOના કર્મચારીઓ રિપેરિંગ માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ ખેડૂતોએ એકસાથે મળીને કામગીરી અટકાવી દીધી હતી.
‘પહેલા અમારી માંગણીઓ પૂરી કરો’
ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે વીજ લાઇનનું રિપેરિંગ શરૂ કરતા પહેલાં તેમની માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે વારંવાર કેબલ તૂટવાની ઘટનાઓને કારણે ખેતરમાં કામ કરતા ખેડૂતો અને ખેતમજૂરોના જીવને જોખમ રહે છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, પીઠડીયા અને વીરપુર પંથકમાંથી પસાર થતી આ વીજ લાઇન આશરે 60 વર્ષ જૂની છે. ખેડૂતોના દાવા મુજબ, લાઇનના કંડક્ટર તેમજ વીજ ટાવર પણ જર્જરિત થઈ ગયા છે. આવી સ્થિતિમાં કંડક્ટર તૂટવાની ઘટનાઓ અવારનવાર બનતી હોવાનો પણ ખેડૂતોનો આક્ષેપ છે.
વીજ લાઇનના કંડક્ટર તૂટીને ખેતરમાં પડવાની ઘટના બાદ ખેડૂતોમાં એક તરફ રોષ અને બીજી તરફ પોતાના તથા ખેતમજૂરોની સુરક્ષાને લઈને ભય જોવા મળી રહ્યો છે. હવે ખેડૂતો દ્વારા પોતાની માંગણીઓનું નિરાકરણ આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ભૂમિકા અપનાવવામાં આવી છે.