ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પૂર્વ ધારાસભ્ય જેઠા દાના સોલંકીએ ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. રાજકોટ ખાતે યોજાયેલી કોંગ્રેસની મહત્ત્વપૂર્ણ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાએ જેઠા સોલંકીને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં વિધિવત રીતે આવકાર્યા હતા. જેઠા સોલંકીના કોંગ્રેસમાં પ્રવેશથી ગીર સોમનાથ અને સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
કોંગ્રેસમાં જોડાયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જેઠા સોલંકીએ ભાજપના સ્થાનિક નેતૃત્વ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 'કોડીનારમાં હાલ ડોન બનીને ફરતા લોકોથી જનતા પરેશાન છે. અસામાજિક લોકોના ત્રાસથી નાના અને સામાન્ય માણસોના કામ થતા નથી. ભાજપ નેતા દિનુ બોઘા સોલંકી અને શિવા સોલંકીના ત્રાસથી કોડીનારની જનતા ત્રાહિમામ છે. આ નારાજગી અને વિસ્તારના આગેવાનો તથા જનતાની માગણીને ધ્યાને રાખીને મેં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.'
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 'મને વ્યક્તિગત કોઈ હેરાનગતિ નથી, પરંતુ સામાન્ય લોકોના કામ થતા નથી અને તેમને હેરાન કરવામાં આવે છે. હું કોઈ કમિટમેન્ટ કે હોદ્દાની લાલચે નહીં, પણ માત્ર વિસ્તારના લોકોની લાગણી અને ભલા માટે કોંગ્રેસમાં જોડાયો છું.'
ઉલ્લેખનીય છે કે, જેઠા સોલંકી ભાજપમાં જોડાયા બાદ વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં કોડીનાર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ ભાજપ સરકારમાં સંસદીય સચિવ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. જોકે, પક્ષ સાથેના મતભેદોના કારણે વર્ષ ૨૦૧૭માં તેમણે ભાજપના ધારાસભ્ય પદેથી તથા પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી જ તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી, જેનો આજે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં સત્તાવાર અંત આવ્યો છે.