સત્ય. સાહસ. સંકલ્પ.

એનવિડિયા સીઈઓ જેન્સન હુઆંગની સંપત્તિમાં ₹63 હજાર કરોડનો ઘટાડો, ફોર્બ્સ યાદીમાં 10મા ક્રમે

એનવિડિયા સીઈઓ જેન્સન હુઆંગની સંપત્તિમાં ₹63 હજાર કરોડનો ઘટાડો, ફોર્બ્સ યાદીમાં 10મા ક્રમે

એનવિડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) જેન્સન હુઆંગની સંપત્તિમાં થોડા સમયમાં 6.80 બિલિયન ડૉલરનો ઘટાડો નોંધાયો છે. ભારતીય રૂપિયામાં આ લગભગ 63 હજાર કરોડ રૂપિયા થાય છે. આ ઘટાડા સાથે ફોર્બ્સની સંપત્તિ યાદીમાં તેમનું સ્થાન એક ક્રમ નીચે સરકીને 10મું થઈ ગયું છે.

ફોર્બ્સના આંકડા મુજબ હુઆંગની સંપત્તિ અગાઉ 162.2 બિલિયન ડૉલર હતી, જે હવે ઘટીને 155.4 બિલિયન ડૉલર થઈ છે. રૂપિયાના મૂલ્યમાં ગણતાં આ સંપત્તિ 14.32 લાખ કરોડ રૂપિયા બેસે છે.

સંપત્તિમાં આ ઘટાડો મુખ્યત્વે કંપનીના શેરભાવમાં આવેલા ઘટાડાને કારણે થયો છે. એનવિડિયાનો શેર 7.97 ડૉલર (4.27 ટકા) ઘટીને 178.67 ડૉલર પર બંધ થયો. કારોબાર દરમિયાન તેમાં 8 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો અને ભાવ લગભગ 170 ડૉલર સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ શેરમાં થોડી રિકવરી જોવા મળી હતી. હુઆંગની સંપત્તિનો મોટો હિસ્સો એનવિડિયામાં તેમના શેરની માલિકી સાથે જોડાયેલો છે. તેમની પાસે કંપનીના 3.5 ટકાથી વધુ શેર છે અને તેઓ કંપનીના સૌથી મોટા વ્યક્તિગત શેરધારક છે.

આ ઘટાડા પાછળ એક ચીની મહિલા સાથેના સંબંધની ચર્ચા પણ જોડાયેલી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. તે મહિલાનું નામ એલિસ હુઆંગ છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે તેઓ ચીનના ગુપ્તચર વિભાગ માટે કામ કરતાં હતાં.

જેન્સન હુઆંગે રવિવારે એનવિડિયાના કર્મચારીઓને આંતરિક સંદેશ મોકલીને સ્વીકાર્યું કે તેઓ પોતાની પત્ની પ્રત્યે વફાદાર રહી શક્યા નહોતા. તેમણે લખ્યું કે આ પગલાથી તેમની પત્ની અને બાળકોને ઊંડો આઘાત લાગ્યો છે અને તેમને તેનો અફસોસ છે. તેમણે ઉમેર્યું કે કર્મચારીઓનો વિશ્વાસ જાળવવાની જવાબદારી તેમની હતી, પરંતુ તેઓ તેમાં નિષ્ફળ રહ્યા. જોકે આ સંદેશમાં તેમણે એલિસનું નામ લીધું નહોતું.

અહેવાલો મુજબ એલિસ હુઆંગ ચીનની નાગરિક છે અને સિંગાપોરની ડેટા સેન્ટર કંપની 'મેગાસ્પીડ'માં વરિષ્ઠ અધિકારી તરીકે કામ કરી ચૂક્યાં છે. ટેક અને ડેટા સેન્ટરના ઉદ્યોગમાં પ્રવેશ કરતાં પહેલાં તેઓ ટીવી રિપોર્ટર હતાં. તેમના અંગત જીવન અંગે વધુ માહિતી ઉપલબ્ધ નથી.

જૂન 2024માં તાઈવાનની રાજધાની તાઈપેઈની એક બારમાં બંનેને સાથે બેઠેલાં જોયાં હતાં, જ્યાં તેઓ અન્ય ટેક અધિકારીઓ સાથે વ્હિસ્કી પી રહ્યા હતા. મે 2025માં પણ તાઈપેઈમાં એક ડિનર બાદ એલિસ જેન્સનની નજીક ઊભેલાં જોવા મળ્યાં હતાં, જ્યારે તેઓ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.

સિંગાપોર સ્થિત મેગાસ્પીડ કંપનીએ 2024 પછી એનવિડિયા પાસેથી આશરે 4.8 અબજ ડૉલર, એટલે કે લગભગ 45 હજાર કરોડ રૂપિયાના અદ્યતન AI પ્રોસેસર અને ચિપ્સ ખરીદ્યા હતા. આ સાથે મેગાસ્પીડ દક્ષિણ-પૂર્વ એશિયામાં એનવિડિયાના સૌથી મોટા ગ્રાહકોમાંની એક બની ગઈ હતી. અહેવાલો અનુસાર આ સમયગાળા દરમિયાન એલિસે ટેક પરિષદો અને ખાનગી ડિનર દ્વારા હુઆંગ સાથે નજીકનો સંપર્ક જાળવ્યો હતો.

અમેરિકી ગુપ્તચર એજન્સીઓએ લગભગ એક વર્ષ સુધી એલિસ પર નજર રાખી હોવાનું અને તેમણે એનવિડિયાની આંતરિક વ્યૂહરચના તથા હુઆંગ સાથે સંબંધિત માહિતી બેઇજિંગ સુધી પહોંચાડી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ ઉપરાંત એવો પણ આક્ષેપ છે કે મેગાસ્પીડે ડેટા સેન્ટર બનાવીને અલીબાબા જેવી ચીની કંપનીઓને કમ્પ્યુટિંગ પાવર ભાડે આપ્યો, જેથી અમેરિકી પ્રતિબંધો વચ્ચે પણ તે કંપનીઓ આ અદ્યતન ચિપ્સનો ઉપયોગ કરી શકી. આ ઉપરાંત તેમના સંબંધો ચીનની સૈન્ય ટેક્નોલોજી સાથે પણ જોડાયેલા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ તમામ આક્ષેપો અંગે સત્તાવાર રીતે હજુ કોઈ નિર્ણય જાહેર થયો નથી.

એનવિડિયાના બોર્ડે આ મામલે સ્વતંત્ર તપાસ શરૂ કરી છે, જેથી જાણી શકાય કે કંપનીની કોઈ સંવેદનશીલ અથવા રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી માહિતી લીક થઈ છે કે નહીં. અત્યાર સુધી બોર્ડને એવો કોઈ પુરાવો મળ્યો નથી કે કંપનીની ગુપ્ત માહિતી બહાર ગઈ હોય. કંપનીએ જણાવ્યું છે કે તપાસ પૂરી થાય ત્યાં સુધી જેન્સન હુઆંગ પોતાના પદ પર યથાવત્ રહેશે.