AI ચિપ બનાવતી કંપની એનવિડિયા કોર્પોરેશનના કો-ફાઉન્ડર અને CEO જેન્સેન હુઆંગની કુલ સંપત્તિ 200 બિલિયન ડોલરને પાર પહોંચી ગઈ છે. શુક્રવારે એનવિડિયાના શેર ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યા બાદ તેમની સંપત્તિમાં આ મોટો ઉછાળો આવ્યો છે.
ફોર્બ્સ રિયલ-ટાઇમ બિલિયનેર્સ લિસ્ટ મુજબ, શુક્રવારે સવારે હુઆંગની સંપત્તિ વધીને લગભગ 203.2 બિલિયન ડોલર (અંદાજે 17 લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ. આ વધારા સાથે તેઓ વિશ્વના 7મા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.
શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં એનવિડિયાનો શેર 237 ડોલરના ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યો, જેના કારણે હુઆંગની સંપત્તિમાં એક જ દિવસમાં 3.4 બિલિયન ડોલરનો વધારો થયો. જોકે, બાદમાં શેર ઊંચા સ્તરેથી થોડો ઘટીને આશરે 1.3%ના વધારા સાથે 233.95 ડોલર પર બંધ થયો.
જેન્સેન હુઆંગે 1993માં એનવિડિયાની સ્થાપના કરી હતી અને તેમની પાસે કંપનીમાં લગભગ 4% હિસ્સો છે. AIમાં ઉપયોગમાં લેવાતી ચિપ્સની વધતી વૈશ્વિક માંગને કારણે એનવિડિયા દુનિયાની સૌથી મૂલ્યવાન પબ્લિકલી ટ્રેડેડ કંપની બની ગઈ છે. આ સાથે જ હુઆંગની સંપત્તિમાં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
એનવિડિયાના શેરોમાં આવેલી આ તેજી પાછળ બે મુખ્ય કારણો છે. પહેલું, AI એજન્ટ્સથી વધતી માંગ: હાલના અઠવાડિયાઓમાં એવી આશા જાગી છે કે મેટા પ્લેટફોર્મ્સ ઇન્ક.ના ‘મ્યુઝ’ જેવા AI એજન્ટ્સ સેમિકન્ડક્ટર અને અદ્યતન ચિપ્સની માંગને વધુ વધારી શકે છે. બીજું, 150 બિલિયન ડોલરની બાયબેક યોજના: કંપનીએ પોતાના શેર બાયબેક પ્લાનના કદમાં રેકોર્ડ 150 બિલિયન ડોલરનો વધારો કરવાની જાહેરાત કરી છે, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ ઘણો વધ્યો છે.
આ વર્ષે અત્યાર સુધીમાં એનવિડિયાના શેરોમાં લગભગ 27%નો ઉછાળો આવ્યો છે અને કંપની સતત ચોથા વર્ષે ડબલ ડિજિટ રિટર્ન આપવાના માર્ગે છે. એનવિડિયાનું માર્કેટ કેપિટલાઇઝેશન હવે લગભગ 5.7 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. કંપની હવે ઇતિહાસમાં પ્રથમ વખત 6 ટ્રિલિયન ડોલરનું માર્કેટ કૅપ મેળવનારી દુનિયાની પ્રથમ કંપની બનવાથી માત્ર 300 બિલિયન ડોલર દૂર છે.
દરમિયાન, AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કંપનીઓ દ્વારા કરવામાં આવતા ભારે ખર્ચ અને આ ટેક્નોલોજીથી માનવજાતને ઊભા થતા જોખમોને લઈને રોકાણકારોમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું હતું. આ ચિંતાઓ દૂર કરવા માટે કેલિફોર્નિયાના સાન્ટા ક્લારામાં સ્થિત આ ચિપ ડેવલપરે સોમવારે નવી 'ડબલ-લેયર્ડ AI સુરક્ષા સિસ્ટમ' રજૂ કરી છે. આ સિસ્ટમ AI એજન્ટ્સને ભટકી જવાથી અટકાવશે. એનવિડિયાનો દાવો છે કે જો આ સિસ્ટમ અગાઉથી હોત, તો ઓપનએઆઈના મોડેલ્સ દ્વારા હાલમાં કરવામાં આવેલી ઘૂસણખોરીને રોકી શકાયી હોત.
બીજી તરફ, એનવિડિયાની ફાઇનાન્સિંગ યોજના અંગે અમેરિકન બજાર એટલે કે વૉલ સ્ટ્રીટ પર એનાલિસ્ટ્સ અને લેન્ડર્સ વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ છે. બેંકિંગ સૂત્રો અને ક્રેડિટ મેનેજરો અનુસાર, કેટલાક ધિરાણકર્તાઓ કંપની પાસેથી તેના અદ્યતન ચિપ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કિંમત પર ઊંચી ગેરંટીની માંગ કરી રહ્યા છે. તેઓ એ અંદાજ લગાવવામાં વ્યસ્ત છે કે આ ચિપ્સમાંથી મળતી આવક કેટલા સમય સુધી ટકી રહેશે.
નોલેજ બોક્સ: 'શેર બાયબેક' શું હોય છે? જ્યારે કોઈ કંપની શેરબજારમાંથી પોતાના જ શેર પાછા ખરીદે છે, ત્યારે તેને 'શેર બાયબેક' કહેવામાં આવે છે. તેનાથી બજારમાં શેરની ઉપલબ્ધતા ઘટી જાય છે, જેના કારણે પ્રતિ શેર આવક વધે છે અને શેરના ભાવને ટેકો મળે છે.