ગુજરાતમાં જન્મેલા ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર જીત રાવલે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. અમદાવાદમાં જન્મેલા 38 વર્ષીય જીતે 2004માં ન્યૂઝીલેન્ડ સ્થળાંતર કર્યું હતું. તેણે 2016માં ન્યૂઝીલેન્ડ માટે ડેબ્યૂ કર્યું હતું અને 24 ટેસ્ટ મેચમાં 1,143 રન બનાવ્યા હતા. 2020 પછી તક ન મળતા, 6 વર્ષ બાદ તેણે સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે.
જીત રાવલે નોર્ધરન ડિસ્ટ્રિક્ટ્સ ક્રિકેટ એસોસિએશનને જણાવ્યું, 'આ નિર્ણય લેવો મારા માટે સન્માન અને સૌભાગ્યની વાત છે. હું અત્યારે ખૂબ સારું અનુભવી રહ્યો છું. બાળપણથી મારું સ્વપ્ન ન્યૂઝીલેન્ડ માટે રમવાનું હતું અને હું મારા એ દિવસોને ખૂબ જ ગર્વથી જોઉં છું. આ માત્ર મારું જ નહીં, મારા પિતાનું પણ સપનું હતું. અમે તક જોઈ અને અમારા પરિવાર સાથે અહીં શિફ્ટ થઈ ગયા, જેથી મને મારું સપનું જીવવાની તક મળે.'
જીત રાવલનો જન્મ સપ્ટેમ્બર 1988માં ગુજરાતના અમદાવાદ શહેરમાં થયો હતો. તે વિદ્યાનગર સ્કૂલમાં ભણ્યો, જ્યાં તે બાળપણમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ સાથે ઓપનિંગ કરતો હતો. તેણે ગુજરાત અંડર-15 અને અંડર-17 ટીમો માટે પણ ક્રિકેટ રમ્યું. 2004માં 16 વર્ષની ઉંમરે તે પોતાના પરિવાર સાથે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં શિફ્ટ થઈ ગયો.
જીતના પિતા તેને સારો ક્રિકેટર બનાવવા માગતા હતા, જેના કારણે તેઓ ન્યૂઝીલેન્ડ શિફ્ટ થઈ ગયા. તેણે ડિસેમ્બર 2008માં ઓકલેન્ડ માટે પોતાનું ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું અને ત્રીજી જ મેચમાં 256 રન ફટકારી દીધા. 2016માં જીતને ન્યૂઝીલેન્ડ માટે ડેબ્યૂ કરવાની તક મળી. પાકિસ્તાન સામે ડેબ્યૂ મેચની પહેલી ઈનિંગમાં તેણે 55 રન બનાવીને સૌને પ્રભાવિત કર્યા. ત્યારબાદ તેણે ન્યૂઝીલેન્ડ માટે 24 ટેસ્ટ મેચોમાં ભાગ લીધો. તેણે 39 ઈનિંગ્સમાં 30.07ની એવરેજથી બેટિંગ કરતા 1,143 રન બનાવ્યા. તેણે કીવી ટીમ માટે 1 સદી અને 7 અડધી સદી ફટકારી છે.
2020માં તેણે ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હતી. જીતે 164 ફર્સ્ટ ક્લાસ મેચોમાં ભાગ લીધો અને 37.66ની એવરેજથી બેટિંગ કરતા 10,432 રન બનાવ્યા. રાવલે 18 વર્ષના પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 24 સદી અને 50 અડધી સદી ફટકારી છે.