દેશની 23 ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IITs)માં પ્રવેશ માટે લેવાતી JEE એડવાન્સ્ડ 2027નો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. આ પરીક્ષા 23 મે 2027ના રોજ યોજાશે. પરીક્ષાનું આયોજન કરનાર IIT દિલ્હીએ 13 નવેમ્બર 2026ના રોજ સત્તાવાર વેબસાઈટ લોન્ચ કરી છે.
IIT દિલ્હીએ સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષામાં ઉમેદવારોને બેઝિક કેલ્ક્યુલેટર વાપરવાની મંજૂરી રહેશે. વેબસાઈટ પર પરીક્ષામાં બેસવાના માપદંડ, વયમર્યાદા અને પ્રયત્નોની સંખ્યા અંગેની વિગતો મૂકવામાં આવી છે.
કોણ પરીક્ષા આપી શકશે?
JEE એડવાન્સ્ડ 2027માં બેસવાના માપદંડમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વેબસાઈટ મુજબ, JEE (મેઈન) 2027ના B.E./B.Tech. પેપરમાં પાસ થનારા તમામ કેટેગરી મળીને ટોચના 2,50,000 ઉમેદવારોને જ JEE એડવાન્સ્ડ 2027માં બેસવાની તક મળશે. વેબસાઈટ પર દરેક કેટેગરીના શોર્ટલિસ્ટ થનારા ઉમેદવારોની ટકાવારી દર્શાવતું ટેબલ પણ મૂકવામાં આવ્યું છે.
માત્ર બે પ્રયત્નો અને વયમર્યાદા
JEE એડવાન્સ્ડમાં પ્રયત્નોની સંખ્યા વધારવાની માંગ લાંબા સમયથી ચાલી રહી હતી, પણ 2027ની પરીક્ષા માટે આ માંગ પર વિચાર કરવામાં આવ્યો નથી. વેબસાઈટ મુજબ ઉમેદવારોને મહત્તમ બે વખત જ પરીક્ષા આપવાની તક મળશે.
વયમર્યાદા અંગે જનરલ કેટેગરીના ઉમેદવારોનો જન્મ 1 ઓક્ટોબર 2002ના રોજ અથવા તે પછી થયેલો હોવો જોઈએ. SC, ST અને PwD ઉમેદવારોને વયમર્યાદામાં 5 વર્ષની છૂટ છે, એટલે કે તેમનો જન્મ 1 ઓક્ટોબર 1997ના રોજ અથવા તે પછી થયેલો હોવો જોઈએ.
ધોરણ 12ની પરીક્ષા અને પાસિંગ માપદંડ
વેબસાઈટ પર ધોરણ 12ની પરીક્ષા અને અન્ય પાત્રતા માપદંડો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. ઉમેદવારોએ પ્રથમ વખત 2026 અથવા 2027માં ધોરણ 12ની પરીક્ષા આપી હોવી જોઈએ, જેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ ફરજિયાત વિષયો હોવા જરૂરી છે. જે ઉમેદવારોએ પ્રથમ વખત 2025 કે તે પહેલાં ધોરણ 12ની પરીક્ષા આપી હોય, તેઓ JEE એડવાન્સ્ડ 2027 માટે પાત્ર ગણાશે નહીં, પછી ભલે તેમણે કોઈપણ વિષયની પરીક્ષા આપી હોય.
પરિણામ જાહેર થવાની તારીખ અને રોકાયેલા રિઝલ્ટનો નિયમ
ધોરણ 12ની પરીક્ષામાં સામેલ થવાનો અર્થ એ છે કે સંબંધિત બોર્ડે તે વર્ષનું પરિણામ જાહેર કરી દીધું હોય, ભલે પરીક્ષા લેવાઈ હોય કે ન લેવાઈ હોય. જો કોઈ ઉમેદવારનું પરિણામ રોકી (withhold) રાખ્યું હોય, તો પણ તેને પરીક્ષામાં સામેલ થયેલો ગણવામાં આવશે.
જે ઉમેદવારોનું ધોરણ 12નું પરિણામ 12 જૂન 2025ના રોજ અથવા તે પછી જાહેર થયું હોય અને જેઓ અન્ય તમામ શરતો પૂરી કરતા હોય, તેઓ JEE એડવાન્સ્ડ 2027માં બેસવા પાત્ર રહેશે. પરંતુ જો કોઈ ઉમેદવારનું પરિણામ 12 જૂન 2025 પહેલાં જાહેર થઈ ગયું હોય અને કોઈ કારણસર તેમનું રિઝલ્ટ રોકાયેલું રહ્યું હોય, તો તેઓ આ પરીક્ષા માટે અયોગ્ય ગણાશે.