સત્ય. સાહસ. સંકલ્પ.

JEE ટોપર્સની પસંદમાં IIT ગાંધીનગર નથી, ટોપ 1000માંથી એક પણ વિદ્યાર્થી નહીં

JEE ટોપર્સની પસંદમાં IIT ગાંધીનગર નથી, ટોપ 1000માંથી એક પણ વિદ્યાર્થી નહીં

JEE એડવાન્સ 2026ના રિપોર્ટ પ્રમાણે, IIT ગાંધીનગર માટે આ વર્ષે પણ સ્થિતિ ચિંતાજનક રહી છે. દેશના ટોપ 1000 વિદ્યાર્થીઓમાંથી એક પણ વિદ્યાર્થીએ IIT ગાંધીનગરમાં પ્રવેશ લીધો નથી. ગુજરાતના ટોપર્સ પણ મુંબઈ તરફ વળ્યા છે, જ્યાં IIT બોમ્બે તેમની પ્રથમ પસંદગી રહ્યું છે.

JEE એડવાન્સ પરીક્ષાના પરિણામ બાદ જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી દ્વારા કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. પાંચથી છ ઓનલાઈન પ્રવેશ રાઉન્ડ બાદ જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન કમિટી દર વર્ષે પરીક્ષા, પરિણામ અને પ્રવેશનો અંતિમ રિપોર્ટ જાહેર કરે છે. આ વર્ષના રિપોર્ટ મુજબ, ટોપ 1000માંથી એક પણ વિદ્યાર્થીએ IIT ગાંધીનગરમાં પ્રવેશ લીધો નથી.

છેલ્લા પાંચ વર્ષના રિપોર્ટ પર નજર કરીએ તો, IIT ગાંધીનગરમાં ટોપ 1000 રેન્કર વિદ્યાર્થીઓ આવતા જ નથી. ગુજરાતના ટોપર્સની પણ IIT ગાંધીનગર પ્રથમ પસંદ રહેતી નથી. વર્ષ 2025માં ટોપ 1000માંથી માત્ર 1, ટોપ 2000માંથી 17 અને ટોપ 5000માંથી 87 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. વર્ષ 2024માં માત્ર એક જ વિદ્યાર્થીએ પ્રવેશ લીધો હતો, જ્યારે 2022 અને 2023માં ટોપ 1000માંથી એકપણ વિદ્યાર્થીએ આ સંસ્થામાં પ્રવેશ લીધો ન હતો.

દેશમાં કુલ 23 IIT આવેલી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ IIT બોમ્બે વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ રહી છે. ટોપ પાંચ હજાર વિદ્યાર્થીઓમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓએ IIT મુંબઈમાં પ્રવેશ લીધો છે. આ વર્ષે IIT બોમ્બેમાં ટોપ 100માંથી 68, ટોપ 200માંથી 99, ટોપ 500માંથી 183, ટોપ 1000માંથી 406 અને ટોપ 5000માંથી 764 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

આ વર્ષે IIT ગાંધીનગરમાં કુલ 361 પ્રવેશ થયા છે, જેમાં 20 ટકા યુવતીઓ સામેલ છે. JEE એડવાન્સ 2026ના રિપોર્ટ મુજબ ટોપ 1000માંથી એક પણ વિદ્યાર્થીએ અહીં પ્રવેશ લીધો નથી, જ્યારે ટોપ 2000માંથી 7 અને ટોપ 5000માંથી 81 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

દેશના ટોપ 100 વિદ્યાર્થીઓમાં ગુજરાતમાંથી દર વર્ષે સરેરાશ 4થી 5 વિદ્યાર્થીઓ હોય છે અને ટોપ 1000માં ગુજરાતમાંથી સરેરાશ 40થી 50 વિદ્યાર્થીઓ હોય છે. પરંતુ ગુજરાતના આ ટોપર્સ પણ IIT ગાંધીનગરમાં પ્રવેશ મેળવતા નથી. ટોપર્સની પ્રથમ પસંદ હંમેશાં IIT મુંબઈ જ હોય છે અને કોમ્પ્યુટર સાયન્સ તેમની સૌથી મનપસંદ બ્રાંચ રહેતી હોય છે.