સત્ય. સાહસ. સંકલ્પ.

27 વર્ષ પછી જે.ડી. મજીઠિયા ગુજરાતી ફિલ્મમાં હીરો તરીકે કમબેક કરશે

27 વર્ષ પછી જે.ડી. મજીઠિયા ગુજરાતી ફિલ્મમાં હીરો તરીકે કમબેક કરશે

બોલિવૂડ અને ટેલિવિઝન જગતમાં જાણીતા પ્રોડ્યુસર અને અભિનેતા જે.ડી. મજીઠિયા લાંબા સમય પછી ગુજરાતી ફિલ્મમાં હીરો તરીકે જોવા મળશે. 1999માં આવેલી ફિલ્મ 'દરિયાછોરુ' પછી તેઓ મુખ્યત્વે પ્રોડક્શન અને હિન્દી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત રહ્યા હતા. હવે લગભગ 27 વર્ષ પછી તેઓ ફરી લીડ એક્ટર તરીકે પોતાનું કમબેક કરશે.

આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક આતિશ કાપડિયા છે, જે મજીઠિયાના ક્રિએટિવ પાર્ટનર છે. ફિલ્મ આતિશ કાપડિયાના લોકપ્રિય ગુજરાતી નાટક 'એકબીજાને ગમતાં રહીએ' પર આધારિત હશે. આ પહેલાં પણ આતિશ કાપડિયાના નાટકો પરથી હિન્દી ફિલ્મો 'આંખેં' (નાટક: આંધળો પાટો) અને 'વક્ત - રેસ અગેઇન્સ્ટ ધ ટાઇમ' (નાટક: આવજો વ્હાલા, ફરી મળીશું) બની ચૂકી છે. મૂળ નાટકમાં દેવેન ભોજાણી અને સરિતા જોષી લીડ રોલમાં હતા.

ફિલ્મની લીડ એક્ટ્રેસ માટે કાસ્ટિંગ પ્રક્રિયા ચાલી રહી છે. જે.ડી. મજીઠિયાની પહેલી ફિલ્મ 'દરિયાછોરુ'માં તેમની સાથે શેફાલી શાહ હતાં. આ ફિલ્મમાં પણ શેફાલી શાહને લીડ રોલ માટે વિચારવામાં આવી રહ્યા છે. જો શેફાલી શાહ આ પ્રોજેક્ટ સાઇન કરશે, તો બંને કલાકારો 27 વર્ષ પછી ફરી એકવાર સાથે મોટા પડદે જોવા મળશે. જોકે, શેફાલી શાહ અન્ય હિન્દી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હોવાને કારણે નેશનલ અવોર્ડ વિજેતા એક્ટ્રેસ માનસી પારેખના નામ પર પણ વિચારણા ચાલી રહી છે.

ફિલ્મની વાર્તા બે આધેડ વ્યક્તિઓની આસપાસ ફરે છે. એક વિધુર પુરુષ અને એક એકલી રહેતી સ્ત્રી પોતાના માટે ભાડે ઘર શોધી રહ્યા હોય છે. એસ્ટેટ બ્રોકરની ભૂલ કે ચાલને કારણે બંનેને એક જ ઘરમાં સાથે રહેવાની ફરજ પડે છે. સંપૂર્ણ વિપરીત સ્વભાવ અને વિચારસરણી ધરાવતી આ બે વ્યક્તિઓ કેવી રીતે ધીમે-ધીમે એકબીજાની જરૂરિયાત બને છે અને એકલતાના સાથી બને છે, તેને હળવી રમૂજ અને લાગણીશીલ રીતે ફિલ્મમાં રજૂ કરવામાં આવશે.

જે.ડી. મજીઠિયા અને આતિશ કાપડિયાની જોડીએ 'ખિચડી', 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' અને 'બા બહૂ ઓર બેબી' જેવા લોકપ્રિય શો આપ્યા છે, ત્યારે આ નવી ગુજરાતી ફિલ્મ પણ પ્રેક્ષકોને શાનદાર અને પારિવારિક મનોરંજન પૂરું પાડશે તેવી અપેક્ષા છે.