સત્ય. સાહસ. સંકલ્પ.

જય શાહ બીજી વખત ICC ચેરમેન બન્યા, બાલી બેઠકમાં બિનહરીફ પસંદગી

જય શાહ બીજી વખત ICC ચેરમેન બન્યા, બાલી બેઠકમાં બિનહરીફ પસંદગી

ભારતીય રમત પ્રશાસક જય શાહ સતત બીજા કાર્યકાળ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન બન્યા છે. બાલીમાં યોજાયેલી બોર્ડ અને કમિટી બેઠકમાં ડિરેક્ટરોએ તેમને બિનહરીફ ચૂંટ્યા હતા. બેઠકમાં જય શાહને ફરી ચેરમેન બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, જેને સ્વીકારી લેવામાં આવ્યો. ICCએ પોતાની પોસ્ટમાં આ માહિતી આપી છે.

ચેરમેન બન્યા બાદ જય શાહે કહ્યું કે ICCના અધ્યક્ષ તરીકે કામ કરવું તેમના માટે સન્માનની વાત છે, પણ સાથે સાથે તે મોટી જવાબદારી પણ છે. દુનિયાભરમાં ક્રિકેટને આગળ વધારવા માટે તેઓ તમામ સભ્યો સાથે મળીને કામ કરતા રહેશે.

શાહે જણાવ્યું કે ક્રિકેટ હાલ સૌથી મહત્વપૂર્ણ અને રોમાંચક તબક્કામાં છે. 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટની વાપસી નવા દર્શકો સુધી પહોંચવાની મોટી તક છે. તેમણે ઉમેર્યું કે જવાબદારી માત્ર મોટી ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવાની નથી, પણ ક્રિકેટનું ભવિષ્ય મજબૂત બનાવવાની પણ છે. તે માટે ખેલાડીઓ, ચાહકો, વ્યાવસાયિક ભાગીદારો અને રમત સાથે જોડાયેલા તમામ લોકોના હિતોનું ધ્યાન રાખવું પડશે.

જય શાહ પહેલીવાર 2024માં ICCના અધ્યક્ષ બન્યા હતા. ત્યારે તેમણે ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલેનું સ્થાન લીધું હતું. 36 વર્ષની વયે તેઓ ICCના સૌથી નાની વયના અધ્યક્ષ બન્યા હતા.

જય શાહની કારકિર્દી અમદાવાદના ક્રિકેટ બોર્ડથી શરૂ થઈ હતી. 2009માં તેઓ અમદાવાદના કેન્દ્રીય ક્રિકેટ બોર્ડના કાર્યકારી બોર્ડના સભ્ય બન્યા. સપ્ટેમ્બર 2013માં ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ના સંયુક્ત સચિવ બન્યા. 2015માં BCCIની નાણાં સમિતિના સભ્ય બન્યા અને 2019માં પહેલીવાર BCCIના સચિવ તરીકે ચૂંટાયા. 2022માં તેઓ ફરી ICCના સચિવ તરીકે ચૂંટાયા. 2021માં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ બન્યા અને જાન્યુઆરી 2024માં ફરીથી ACCના પ્રમુખ તરીકે ચૂંટાયા. 2022માં તેમને ICCની ફાઇનાન્સ એન્ડ કોમર્શિયલ અફેર્સ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને ઓલિમ્પિક ગેમ્સ માટે ICC ઓલિમ્પિક વર્કિંગ ગ્રુપના સભ્ય પણ બનાવવામાં આવ્યા.

જય શાહ ICC ચેરમેનનું પદ સંભાળનારા પાંચમા ભારતીય છે. તેમનાથી પહેલાં જગમોહન દાલમિયા, શરદ પવાર, એન. શ્રીનિવાસન અને શશાંક મનોહર ICCના પ્રમુખ રહી ચૂક્યા છે. 2015 સુધી આ પદને પ્રેસિડેન્ટ કહેવામાં આવતું હતું, ત્યારબાદ તેને ચેરમેન કહેવામાં આવે છે.