સત્ય. સાહસ. સંકલ્પ.

જવાહર ચાવડાનો સરકાર પર પ્રહાર: પેપર લીક કાંડમાં 'સડેલી સિસ્ટમ' પર સવાલ

જવાહર ચાવડાનો સરકાર પર પ્રહાર: પેપર લીક કાંડમાં 'સડેલી સિસ્ટમ' પર સવાલ

જુનાગઢના માણાવદર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ પેપર લીક કૌભાંડને લઈને રાજ્ય સરકાર પર તીવ્ર પ્રહારો કર્યા છે. તેમણે એક વીડિયો સંદેશમાં ગુજરાતની પરીક્ષા વ્યવસ્થાને 'સડેલી સિસ્ટમ' ગણાવી છે અને સરકારને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

ચાવડાએ જણાવ્યું કે તલાટી, ટેટ, બીએસઈઆર, મુખ્ય સેવિકા, નાયબ તહેસીલદાર, લોકરક્ષક દળ, ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, નીટ યુજી, પીજીવીસીએલ, ફોરેસ્ટ ગાર્ડ, ઊર્જા નિગમ સહિત 18 જેટલી પરીક્ષાઓમાં લગભગ 51 લાખ વિદ્યાર્થીઓ અને 2 કરોડ પરિવારો પ્રભાવિત થયા છે. તેમણે વિદ્યાર્થીઓની વેદનાને ધ્યાનમાં લેવા અને તેમની સાથે સંવેદના દાખવવાની વાત કરી.

પૂર્વ મંત્રીએ કહ્યું કે વિદ્યાર્થીઓએ તેમને જણાવ્યું છે કે તેમની જિંદગી બરબાદ કરવામાં આવી છે, પરંતુ જવાબદારો સામે કોઈ એફ.આઈ.આર. થઈ નથી કે કોઈ જેલમાં ગયું નથી. આ સ્થિતિ સામે સવાલ ઉઠાવવો જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે જવાહર ચાવડા 1990થી 2012 દરમિયાન કોંગ્રેસમાંથી ચાર વખત ધારાસભ્ય રહ્યા હતા. 2019માં તેમણે ભાજપમાં પ્રવેશ કર્યો અને મંત્રી પદ પણ મળ્યું, પરંતુ 2022ની પેટાચૂંટણીમાં કોંગ્રેસ સામે હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ ભાજપે તેમને ટિકિટ આપી નહીં. હવે તેમણે પરીક્ષા કૌભાંડો પર સરકારને ઘેર્યું છે.

દરમિયાન, પક્ષપલટો કરીને મંત્રી બનેલા અન્ય નેતાઓ પણ પોતાના મતવિસ્તારના પ્રજાપ્રશ્નો પર સરકાર સામે આક્રમક થયા છે. જેમ કે, રાઘવજી પટેલે જામનગર પંથકમાં દુષ્કાળ અંગે સરકારને ઢંઢોળી હતી. જયેશ રાદડીયાએ સહકાર ક્ષેત્રે ભાજપ નેતૃત્વના મેન્ડેટને ફગાવ્યો હતો. આ સંદર્ભમાં ચાવડાના પ્રહારોને પણ જોવામાં આવી રહ્યા છે.