ગુજરાતમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ બેરોજગારી અને વહીવટી તંત્રની નિષ્ફળતા સામે મોરચો માંડ્યો છે. તેમણે રાજ્યની વહીવટી વ્યવસ્થાને 'સડેલી અને ડાફે ચડેલી સિસ્ટમ' ગણાવીને તીખો આક્રોશ ઠાલવ્યો છે.
જવાહર ચાવડાએ જણાવ્યું કે, 'બેરોજગારી અને ભૂલભરેલી સિસ્ટમનો ભોગ બનેલા યુવાનોનો આક્રોશ ઉકેલવા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખીને સમય માંગ્યો હતો, પરંતુ આજ દિન સુધી કોઈ પ્રતિભાવ મળ્યો નથી. આટલી મોટી ગંભીર બાબત કદાચ શાસકોના ધ્યાનમાં જ નથી!'
મુખ્યમંત્રી કક્ષાએથી પણ કોઈ ગંભીરતા ન દર્શાવાતાં તેમણે ભાજપ સરકાર સામે આડકતરો ઈશારો કરતા કહ્યું કે, 'હવે લાગે છે કે આ ડાફે ચડેલી અને સડેલી સિસ્ટમને આપણે જ બદલવી પડશે.' રાજકીય વિશ્લેષકો તેમના આ નિવેદનને માત્ર વહીવટી બદલાવ નહીં, પરંતુ આગામી સમયમાં સરકાર બદલવા તરફના સીધા પડકાર તરીકે જોઈ રહ્યા છે.
દોઢ વર્ષથી ગામડે-ગામડે ફરીને યુવાનોના દર્દ સાંભળ્યા બાદ તેમણે કહ્યું કે યુવાનોમાં ભારે નિરાશા અને આક્રોશ છે, પણ સરકાર નિષ્ક્રિય છે. તેમણે યુવાનોને લડાયક મૂડમાં લાવતા કહ્યું, 'તમે નિરાશ છો પણ નબળા નથી. તમારી પાસે ક્ષમતા છે પણ આ સરકાર તક આપતી નથી. હવે શાંત બેસવાનો નહીં પણ સિસ્ટમ ઉથલાવી પાડવાનો સમય છે.'
યુવાનોના પ્રશ્નોને વાચા આપવા અને વહીવટીતંત્ર સામે લડત આપવા માટે કોઈપણ ભેદભાવ વગર રોજગાર સહાયતા અભિયાન શરૂ કરાયું છે, જેના માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.