સત્ય. સાહસ. સંકલ્પ.

SA20ની હરાજીમાં 18 વર્ષના જેસન રાઉલ્સ સૌથી મોંઘા ખેલાડી બન્યા, 1.7 કરોડમાં વેચાયા

SA20ની હરાજીમાં 18 વર્ષના જેસન રાઉલ્સ સૌથી મોંઘા ખેલાડી બન્યા, 1.7 કરોડમાં વેચાયા

દક્ષિણ આફ્રિકાની T20 લીગ SA20ની પાંચમી સીઝન માટે યોજાયેલી હરાજીમાં 18 વર્ષના જેસન રાઉલ્સ સૌથી મોંઘા ખેલાડી તરીકે ઉભરી આવ્યા છે. જોબર્ગ સુપર કિંગ્સે તેમને 2.9 મિલિયન રેન્ડ (આશરે 1.7 કરોડ રૂપિયા)ની બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

રાઉલ્સને ખરીદવા માટે MI કેપ ટાઉન અને જોબર્ગ સુપર કિંગ્સ વચ્ચે સ્પર્ધા જોવા મળી હતી. અંતે જોબર્ગ સુપર કિંગ્સે મોટી બોલી લગાવીને તેમને પોતાની ટીમમાં લીધા.

જોબર્ગ સુપર કિંગ્સના હેડ કોચ અલ્બી મોર્કેલે આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આટલી મોટી બોલીની અપેક્ષા નહોતી. જોકે, ફ્રેન્ચાઇઝી છેલ્લા એક વર્ષથી રાઉલ્સની પ્રતિભા પર નજર રાખી રહી હતી.

રાઉલ્સ ડાબા હાથથી બેટિંગ અને ડાબા હાથથી બોલિંગ કરે છે. તેઓ હાલમાં દક્ષિણ આફ્રિકાની અંડર-19 ટીમના વાઇસ કેપ્ટન છે. તેમના નામે અત્યાર સુધી માત્ર એક T20 મેચનો અનુભવ છે, જેમાં તેમણે 45 રન બનાવ્યા હતા અને એક વિકેટ લીધી હતી. તાજેતરમાં રમાયેલી CSA T20 ચેલેન્જ લીગમાં તેમણે 31 બોલમાં 45 રન બનાવ્યા હતા. ખાસ વાત એ છે કે રાઉલ્સ હજુ અભ્યાસ પૂરો કરી રહ્યા છે.

મોર્કેલે જણાવ્યું કે રાઉલ્સ પ્રતિભાશાળી ખેલાડી છે અને ફ્રેન્ચાઇઝી એક વર્ષથી તેમના પર નજર રાખી રહી હતી. તેમણે એક વર્ષ પહેલાં ટેલેન્ટ સ્કાઉટ કેમ્પમાં પણ ભાગ લીધો હતો. દરેક ફ્રેન્ચાઇઝી ભવિષ્યના સ્ટાર ખેલાડીની શોધમાં રહે છે.

મોર્કેલે એમ પણ કહ્યું કે હરાજીમાં મોટી રકમ મળ્યા બાદ ખેલાડી પર અપેક્ષાઓનું દબાણ વધે છે. જોકે, રાઉલ્સ સાથે સારી મેનેજમેન્ટ ટીમ છે, જે તેમને આ પરિસ્થિતિ સંભાળવામાં મદદ કરશે. જોબર્ગ સુપર કિંગ્સનો કોચિંગ સ્ટાફ પણ તેમને પ્રતિભા નિખારવા માટે દરેક શક્ય તક આપશે.