સત્ય. સાહસ. સંકલ્પ.

90 વર્ષના જાપાની બોડીબિલ્ડરે 19મો નેશનલ ખિતાબ જીત્યો, 40 વર્ષથી સંપૂર્ણ શાકાહારી ડાયેટ

90 વર્ષના જાપાની બોડીબિલ્ડરે 19મો નેશનલ ખિતાબ જીત્યો, 40 વર્ષથી સંપૂર્ણ શાકાહારી ડાયેટ

જાપાનના તોશિસુકે કાનાઝાવાએ 90 વર્ષની વયે 85 વર્ષથી વધુ ઉંમરની શ્રેણીમાં ‘ઓલ જાપાન માસ્ટર્સ ફિટનેસ ચેમ્પિયનશિપ’ જીતી છે. આ તેમનો 19મો નેશનલ બોડીબિલ્ડિંગ ખિતાબ છે. તેમની સૌથી ખાસ વાત એ છે કે તેઓ ઘણા દાયકાઓથી સંપૂર્ણ શાકાહારી છે અને માંસ કે માછલી ખાતા નથી. તેમના આહાર અને દિનચર્યા વિશે લોકો જાણવા ઉત્સુક છે.

કાનાઝાવાનો બોડીબિલ્ડિંગ સાથેનો સંબંધ નવો નથી. તેમણે યુવાનીમાં જ આ ક્ષેત્ર પસંદ કર્યું અને 24 વર્ષની વયે ‘મિસ્ટર જાપાન’નો ખિતાબ જીત્યો. તેમણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું. 1967માં તેમણે મિસ્ટર યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લીધો, જ્યાં તેમની મુલાકાત આર્નોલ્ડ શ્વાર્ઝનેગર અને સર્જિયો ઓલિવિયા જેવા મહાન બોડીબિલ્ડર્સ સાથે થઈ.

30 વર્ષની વય પછી તેમણે સ્પર્ધાઓમાંથી વિરામ લીધો. પરંતુ 50 વર્ષની ઉંમરે તેમણે ફરી જિમમાં પરસેવો પાડવાનું શરૂ કર્યું. તેનું મોટું કારણ તેમની પત્ની હતી, જે તે સમયે બીમાર રહેતી હતી. કાનાઝાવા ઇચ્છતા હતા કે તેમની પત્ની તેમને ફરી સ્ટેજ પર ફિટ અને સ્પર્ધા કરતા જોઈ શકે. પત્નીના અવસાન પછી પણ તેમણે આ ફિટનેસ યાત્રા ચાલુ રાખી.

કાનાઝાવાનો આહાર સાદો છે. 50 વર્ષની વયે કમબેક કર્યા બાદ તેમણે માંસ અને માછલી ખાવાનું સંપૂર્ણ બંધ કરી દીધું. સવારના નાસ્તામાં સામાન્ય રીતે બ્રાઉન રાઇસ, નાટ્ટો (આથો લાવેલા સોયાબીનમાંથી બનતી જાપાની વાનગી) અને મિસો સૂપ લે છે. બપોર અને સાંજના ભોજનમાં બ્રાઉન રાઇસ મુખ્ય હોય છે, જેમાં ફુરિકાકે (પરંપરાગત જાપાનીઝ મસાલો) ઉમેરે છે. શરીરની પ્રોટીન જરૂરિયાત પૂરી કરવા દિવસમાં ત્રણ વખત પ્રોટીન ડ્રિંક લે છે.

તેઓ માત્ર આહાર પર નિર્ભર નથી. ઉંમર વધવાની સાથે તેમણે કસરતમાં ફેરફાર કર્યો છે. ભારે સ્ક્વોટ્સ કે બેન્ચ પ્રેસને બદલે હવે જિમ મશીનનો વધુ ઉપયોગ કરે છે. અઠવાડિયામાં 6 દિવસ જિમ જાય છે અને દરરોજ લગભગ બે કલાક ટ્રેનિંગ લે છે. ઉંમરના કારણે શરીરને આરામની જરૂર પડતી હોવાથી બે સેટ વચ્ચે પૂરતો આરામ લે છે અને રાત્રે ઓછામાં ઓછી 7 કલાક ઊંઘે છે. તેમણે જીવનભર સિગારેટ અને આલ્કોહોલથી અંતર જાળવ્યું છે.