જાપાનની રાજધાની ટોક્યોમાં 5 ઓક્ટોબર 2026ના રોજ એક અનોખી સ્પર્ધા યોજાવા જઈ રહી છે, જેમાં વિજેતાને 2.22 મિલિયન જાપાનીઝ યેન (અંદાજે 13.76 લાખ રૂપિયા)નું ઇનામ મળશે. આ સ્પર્ધામાં સ્પર્ધકોએ માત્ર 90 મિનિટ સૂવાનું છે, પરંતુ આટલી મોટી રકમ માત્ર ઊંઘવા માટે કેમ આપવામાં આવી રહી છે તે પ્રશ્ન ઊભો થાય છે.
ટોક્યોના 'શેર ગ્રીન મિનામી આઓયામા' ખાતે એક જાપાની મેટ્રેસ કંપની દ્વારા આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે તેઓ જાપાનમાં 'ગુણવત્તાયુક્ત ઊંઘ' વિશે જાગૃતિ લાવવા માંગે છે. જોકે, ફ્રી એન્ટ્રીના નામે લોકોની ઊંઘનો ડેટા એકઠો કરવાનો આ એક નવો કીમિયો હોઈ શકે છે.
સ્પર્ધાના નિયમો અનુસાર, 90 મિનિટ દરમિયાન સ્પર્ધકો પર ખાસ મશીનો અને સ્માર્ટ ઉપકરણોથી ચાંપતી નજર રખાશે. તેમની ઊંઘ કેટલી ગહન છે અને મગજની સ્થિતિ કેવી છે તે બધું જ બારીકીથી રેકોર્ડ કરવામાં આવશે. આ ઉપરાંત, સ્પર્ધકોને સીધા પથારીમાં સૂવા દેવામાં આવશે નહીં. પહેલા ફરજિયાત કસરત કરવી પડશે અને ત્યારબાદ અચાનક કોઈ અજીબ 'સ્લીપ આઇટમ' આપી દેવામાં આવશે.
વધુમાં, સ્પર્ધકો અગાઉથી જાગીને થાક સાથે ન આવી શકે, ઊંઘની દવા કે ધ્યાન કરી શકે નહીં. જ્યારે તેઓ ગાઢ ઊંઘમાં હશે ત્યારે અચાનક ડરામણા અવાહો કે ખલેલ પહોંચાડીને તેમની માનસિક સ્થિરતા ચકાસવામાં આવશે. આ ઉપરાંત, મુખ્ય વિજેતા ઉપરાંત 'ડીપ સ્લીપ ડાઇવ એવોર્ડ' અને 'સ્લીપિંગ પોઝિશન' જેવા વિચિત્ર નામોવાળા ઇનામો પણ અપાશે. સ્પર્ધાના ત્રણ સેશનમાં માત્ર 20-20 લોકોને જ કેમ પસંદ કરવામાં આવશે તે સ્પષ્ટ નથી.
આયોજકોનો દાવો છે કે આ સ્પર્ધા દ્વારા તેઓ જાપાનમાં 'ગુણવત્તાયુક્ત ઊંઘ' પ્રત્યે જાગૃતિ લાવવા માંગે છે.