જાપાનની સેન્ટ્રલ બેંક, બેંક ઓફ જાપાન (BOJ)એ શુક્રવારે તેના મુખ્ય વ્યાજદરમાં 0.25 ટકા વધારો કરીને 1.25 ટકા કર્યો છે. આ 1995 પછીનો સૌથી ઊંચો દર છે. આ નિર્ણય વૈશ્વિક આર્થિક તણાવ, ઊર્જા કટોકટી અને અમેરિકાના દબાણ વચ્ચે લેવામાં આવ્યો છે. બેંકનું લક્ષ્ય યેનને મજબૂત કરવાનું અને મોંઘવારીને નિયંત્રિત કરવાનું છે.
જાપાન છેલ્લા ત્રણ દાયકાથી મંદી અને ભાવ ઘટાડા સામે ઝઝૂમી રહ્યું હતું. ત્યાં વ્યાજદર લગભગ શૂન્ય કે નેગેટિવ રહ્યા છે. હવે દેશ વધતી મોંઘવારી અને નબળા ચલણનો સામનો કરી રહ્યો છે, તેથી વ્યાજદર વધારવાની દિશામાં આગળ વધી રહ્યો છે.
બેંક ઓફ જાપાન 2024થી સતત દરોમાં વધારો કરી રહી છે. 2024માં પોલિસી રેટ માઇનસ 0.1 ટકા હતો. છેલ્લા અઢી વર્ષમાં આ છઠ્ઠો વધારો છે. બેંક અન્ય મોટા અર્થતંત્રોના વ્યાજદરની સમકક્ષ પહોંચવા પ્રયાસ કરી રહી છે.
વૈશ્વિક સ્તરે ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ ખોરવાઈ જવાને કારણે ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. જાપાન તેની ઊર્જા જરૂરિયાતો માટે મિડલ ઈસ્ટ પર નિર્ભર છે, તેથી આ સપ્લાય વિક્ષેપની સીધી અસર તેના અર્થતંત્ર પર પડી છે.
મોંઘવારી માત્ર જાપાન પૂરતી સીમિત નથી. અમેરિકાની ફેડરલ રિઝર્વે ત્રણ વર્ષથી વધુ સમય બાદ પ્રથમ વખત વ્યાજદર વધાર્યો છે. યુરોપિયન સેન્ટ્રલ બેંકે પણ આ મહિનાની શરૂઆતમાં ધિરાણ ખર્ચ વધાર્યો હતો. આમ, વૈશ્વિક સ્તરે વ્યાજદર વધારવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
જાપાનનું અર્થતંત્ર હાલ ત્રણ મોટા પડકારોનો સામનો કરી રહ્યું છે: સતત નબળો પડી રહેલો યેન, આયાતી ઊર્જાને કારણે વધતી મોંઘવારી અને ઘટતી વર્કફોર્સ.
શુક્રવારે BOJની જાહેરાત પહેલા જાહેર થયેલા સત્તાવાર આંકડા અનુસાર, ઓગસ્ટમાં કોર ઇન્ફ્લેશન 1.7 ટકા રહ્યો છે, જે અગાઉના મહિને 1.8 ટકા હતો. આ દર સેન્ટ્રલ બેંકના 2 ટકાના લક્ષ્યની નજીક છે. જાપાન માટે આ અસામાન્ય છે, કારણ કે ત્યાં છેલ્લા 30 વર્ષથી નજીવી મોંઘવારી અથવા ભાવ ઘટાડો જોવા મળ્યો છે.
ઓગસ્ટમાં જાપાની યેન 40 વર્ષના તળિયે પહોંચી ગયો હતો. ચલણનું પતન રોકવા ટોક્યો અને વોશિંગ્ટને સંયુક્ત રીતે ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગીરી કરી હતી. અમેરિકાના દબાણમાં પણ આ નિર્ણયને જોવામાં આવે છે.