સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ 2026: જાપાનના કેપ્ટનનો ધોની સાથે જોડાયેલો રસપ્રદ કિસ્સો

એશિયન ગેમ્સ 2026: જાપાનના કેપ્ટનનો ધોની સાથે જોડાયેલો રસપ્રદ કિસ્સો

એશિયન ગેમ્સ 2026ના ભાગ રૂપે જાપાન અને ભારત વચ્ચે પ્રથમ આંતરરાષ્ટ્રીય T20 મેચ 22 સપ્ટેમ્બરના રોજ સાનો ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ જાપાન ક્રિકેટ માટે ઐતિહાસિક માનવામાં આવે છે, કારણ કે તે વિશ્વની નંબર-1 T20 ટીમ સામે તેમની પ્રથમ રમત હશે.

જાપાને આ મેચ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી છે, જેનું નેતૃત્વ કેન્ડલ કાડોવાકી-ફ્લેમિંગ કરશે. ફ્લેમિંગ જાપાન ક્રિકેટના સૌથી સફળ બેટ્સમેન છે. તેણે 55 T20 મેચમાં 38ની સરેરાશથી 1,871 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને 12 અડધી સદી શામેલ છે.

જાપાનમાં જન્મેલા ફ્લેમિંગ સાત વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયા ગયા હતા, જ્યાં તેમણે ક્વીન્સલેન્ડ તરફથી અંડર-17 ક્રિકેટ રમ્યા હતા. 18 વર્ષની ઉંમરે જાપાન ક્રિકેટે તેમનો સંપર્ક કર્યો અને ત્યારબાદ તે ક્રિકેટ રમવા દર વર્ષે જાપાન જતા રહ્યા. ક્રિકેટ ઉપરાંત, તે એક મોટી કંપનીમાં સિનિયર ફાઇનાન્શિયલ એનાલિસ્ટ તરીકે કામ કરે છે અને પોતાની પ્લેયર મેનેજમેન્ટ કંપની પણ ચલાવે છે.

ધોની સાથે જોડાયેલો ફ્લેમિંગનો કિસ્સો ખૂબ જ રસપ્રદ છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જોઈને મોટા થયેલા ફ્લેમિંગે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે પણ ધોની બેટિંગ કરવા મેદાનમાં આવે, ત્યારે તે અસ્વસ્થ થઈ જતા હતા, કારણ કે ધોની ક્રીઝ પર આવ્યા પછી ઓસ્ટ્રેલિયા જીતતી મેચ પણ હારી શકતું. હવે એ જ ફ્લેમિંગ જાપાનની કેપ્ટનશિપ સંભાળીને ટીમ ઈન્ડિયા સામે મેદાનમાં ઉતરશે.