કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીમાં ધરણા-પ્રદર્શન માટેના સ્થળો અંગે નવો આદેશ બહાર પાડ્યો છે. આ આદેશ હેઠળ દિલ્હીના મધ્યમાં આવેલા ઐતિહાસિક જંતર-મંતરને અધિકૃત પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું છે. આ નિર્ણય સામે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને સાંસદ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું કે, 'ઐતિહાસિક જંતર-મંતર હવે તે જગ્યા નહીં રહે જ્યાં લોકશાહીને રોજ નવી તાકાત મળતી હતી. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે પીએમ અને ગૃહમંત્રીની જોડી કેટલી ગભરાયેલી છે. આ સરકારે શાંતિપૂર્ણ જન પ્રદર્શનોને ખૂબ જ નિર્દયતાથી કચડી છે અને લોકશાહી હવે 'ડેમોક્રેસી'માંથી 'ડેમોકાર્સી' બની ગઈ છે.'
આ મામલે કોંગ્રેસ સાંસદ ચરણજીત સિંહ ચન્નીએ પણ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, 'સરકારે હવે જંતર-મંતરને પણ પ્રદર્શન સ્થળમાંથી બહાર કરી દીધું છે અને એવું બતાવી રહી છે કે જાણે દિલ્હી તેમના બાપની હોય.' લોકસભામાં વિપક્ષના ઉપનેતા અને સાંસદ ગૌરવ ગોગોઈએ પણ ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, 'ભાજપ ડરી ગઈ છે અને તેમને અંદાજ આવી ગયો છે કે તેમનું સિંહાસન હવે વધુ દિવસો સુધી ટકવાનું નથી.'
ગૃહ મંત્રાલયના નવા આદેશ મુજબ, દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવા માટે હવે ત્રણ વૈકલ્પિક સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં રામલીલા મેદાન, બુરાડી મેદાન અને પૂર્વ દિલ્હીના સીબીડી (CBD) મેદાનનો સમાવેશ થાય છે. જ્યારે નવી દિલ્હી સ્થિત જંતર-મંતરને સત્તાવાર પ્રદર્શન સ્થળોની યાદીમાંથી સત્તાવાર રીતે દૂર કરવામાં આવ્યું છે.