સત્ય. સાહસ. સંકલ્પ.

ચૂંટણી પંચ વિરુદ્ધ વિપક્ષનું જંતર-મંતર પર પ્રદર્શન, રાહુલ-પ્રિયંકા સહિત નેતાઓની અટકાયત બાદ મુક્તિ

ચૂંટણી પંચ વિરુદ્ધ વિપક્ષનું જંતર-મંતર પર પ્રદર્શન, રાહુલ-પ્રિયંકા સહિત નેતાઓની અટકાયત બાદ મુક્તિ

દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન INDIA બ્લોકના સાંસદોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન પોલીસે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અનેક વિપક્ષી નેતાઓની અટકાયત કરી હતી.

જંતર-મંતર જવા નીકળેલી વિપક્ષી સાંસદોની કૂચને પોલીસે અધવચ્ચે રોકી દેતાં ઘર્ષણ થયું હતું. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ મહિલા પોલીસકર્મીઓ પર નખ મારવાનો અને તેમને જમીન પર પટકી દેવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે વિરોધમાં રસ્તા પર સૂઈ જવાની ઘટના પણ બની હતી.

પોલીસે અટકાયતમાં લીધેલા નેતાઓને દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ ખાતે રાખવામાં આવ્યા હતા. જ્યાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ મહુઆ મોઇત્રા સહિતના અનેક વિપક્ષી નેતાઓ હાજર હતા. આશરે 2 કલાકની અટકાયત બાદ પોલીસે તમામ વિપક્ષી નેતાઓ અને સાંસદોને મુક્ત કરી દીધા હતા.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બારાખંભા પોલીસ સ્ટેશનના બીજા દરવાજેથી બહાર કાઢવામાં આવ્યા હતા. મુખ્ય દરવાજા પર કાર્યકરોની ભારે ભીડ, સૂત્રોચ્ચાર અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાથી સુરક્ષાના કારણોસર તેમને બીજા ગેટથી રવાના કરાયા હતા. તેમની સાથે માત્ર પર્સનલ સિક્યોરિટી ગાર્ડ્સ જ હાજર હતા. આ દરમિયાન કેરળના મુખ્યમંત્રી પણ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા.

રાહુલ ગાંધીને લઈ જતી પોલીસ બસને કોંગ્રેસના આક્રોશિત કાર્યકરોએ ઘેરી લીધી હતી અને આગળ વધતી રોકવા માટે તેના ટાયર પંચર કરી નાખ્યા હતા. આથી પોલીસને રાહુલ ગાંધીને બીજી બસમાં બેસાડીને અન્ય સુરક્ષિત માર્ગેથી સીધા બારાખંભા પોલીસ સ્ટેશન તરફ લઈ જવાની ફરજ પડી હતી.

કોંગ્રેસે આ પોલીસ કાર્યવાહીને લોકશાહી અને બંધારણનો અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો, જ્યારે ભાજપે વિપક્ષ પર અરાજકતા ફેલાવવાનો વળતો આક્ષેપ કર્યો હતો. વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામા સુધી આંદોલન ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો છે.