દિલ્હી પોલીસે જંતર-મંતરને સત્તાવાર વિરોધ સ્થળોની યાદીમાંથી કાયમ માટે દૂર કરવાનો નિર્ણય લીધો છે. દેશની રાજધાનીમાં વિરોધ પ્રદર્શનોના કેન્દ્ર સમાન જંતર-મંતર અંગેનો આ નિર્ણય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
લાંબા સમયથી જંતર-મંતર સામાન્ય નાગરિકો માટે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનું મુખ્ય માધ્યમ રહ્યું છે. આ નિર્ણયને લઈને સામાજિક કાર્યકરો અને સંગઠનોએ અસંતોષ વ્યક્ત કર્યો છે.
સીજેપી (CJP)ના પ્રવક્તા સૌરવ દાસે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ પગલાંની ટીકા કરી છે. તેમણે કહ્યું કે, 'નરેન્દ્ર મોદી જંતર-મંતરથી કેમ ડરે છે? જંતર-મંતર કોઈ એક પક્ષનું નથી, તે સમગ્ર ભારતના લોકોનું છે.'
તેમણે ગૃહ મંત્રાલયની પારદર્શિતા પર સવાલ ઉઠાવ્યો છે. આટલો મોટો નિર્ણય લેતા પહેલાં ભારતના લોકો કે સંબંધિત હિતધારકો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો કે નહીં, તે અંગે તેમણે પ્રશ્ન કર્યો છે. આ પ્રકારના એકતરફી નિર્ણયને તેમણે લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ ગણાવ્યો છે.
સૌરવ દાસે ચેતવણી આપી છે કે, 'જેમ આજે લોકોના અધિકાર સમાન જંતર-મંતરને રદ કરવામાં આવી રહ્યું છે, તેવી જ રીતે વડા પ્રધાન ટૂંક સમયમાં ભારતમાં લોકશાહીને પણ રદ કરી દેશે.' તેમણે આ નિર્ણયને સરમુખત્યારશાહીની દિશામાં એક શરૂઆત ગણાવી છે અને કહ્યું છે કે લોકોના શાંતિપૂર્ણ રીતે ભેગા થવાના અને વિરોધ કરવાના મૂળભૂત અધિકાર પરનો આ હુમલો સ્વીકાર્ય નથી.