દિલ્હીના જંતર-મંતર પર હવે ધરણા-પ્રદર્શન કરી શકાશે નહીં. કેન્દ્ર સરકારે તેને નિર્ધારિત પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવી દીધું છે. ગૃહ મંત્રાલયે આ અંગે સમિતિની ભલામણના આધારે નિર્ણય લીધો છે. હવે દિલ્હીમાં રામલીલા મેદાન, બુરાડી ગ્રાઉન્ડ અને પૂર્વ દિલ્હીના CBD ગ્રાઉન્ડને પ્રદર્શન માટે માન્યતા આપવામાં આવી છે.
કોકરોચ જનતા પાર્ટીએ CEC જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIR પર રોકની માંગને લઈને સોમવારે જંતર-મંતર પર પ્રદર્શનની મંજૂરી માંગી હતી, પરંતુ પોલીસે મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો છે.
આ પહેલાં CJPએ 20 જૂનથી 25 જુલાઈ સુધી NEET પેપર લીકના મુદ્દે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે પ્રદર્શન કર્યું હતું. 36 દિવસ ચાલેલા આ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તા સોનમ વાંગચુક પણ ભૂખ હડતાળ પર બેઠા હતા. 25 જુલાઈએ પ્રધાનના રાજીનામા બાદ પ્રદર્શન સમાપ્ત થયું હતું.
ગૃહ મંત્રાલયે વિરોધ-પ્રદર્શન અને ધરણા માટે વૈકલ્પિક સ્થળોની ઓળખ માટે એક સમિતિ બનાવી હતી. સમિતિની ભલામણો બાદ રામલીલા મેદાન, બુરાડી ગ્રાઉન્ડ અને CBD ગ્રાઉન્ડને પ્રદર્શન માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ત્રણેય સ્થળો પર ધરણા-પ્રદર્શન યોજવાની પ્રક્રિયા અને નિયમો અંગે સુધારેલી SOP અલગથી જાહેર કરાશે. હાલના આદેશમાં આ ગાઈડલાઈનની વિગતવાર માહિતી આપવામાં આવી નથી.
જંતર-મંતરને યાદીમાંથી હટાવવા પાછળનું કારણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું નથી, પરંતુ મનાય છે કે સંસદથી માત્ર 1.5 કિમીનું અંતર સૌથી મોટું કારણ છે. જૂન-જુલાઈમાં થયેલા કોકરોચ પાર્ટીના ધરણા દરમિયાન પ્રદર્શનકારીઓ સંસદની નજીક પહોંચી ગયા હતા અને તેમને રોકવા દરવાજા બંધ કરવા પડ્યા હતા. હવે ફરી એકવાર કોકરોચ પાર્ટી જંતર-મંતર પર પ્રદર્શનની મંજૂરી માંગી રહી છે. ઉપરાંત, રાહુલ ગાંધી સહિત વિપક્ષ પણ જંતર-મંતર પર ધરણા કરવાની તૈયારીમાં હતા.
નવા સ્થળોમાં રામલીલા મેદાન સંસદથી આશરે 3-4 કિમી દૂર છે, જ્યારે બુરાડી અને CBD ગ્રાઉન્ડ શહેરના અન્ય ભાગોમાં આવેલા છે. આ ફેરફારથી દિલ્હીના લોકોને ટ્રાફિક જામથી રાહત મળવાની આશા છે, કારણ કે મધ્ય દિલ્હીમાં પ્રદર્શન થવાથી આસપાસના વિસ્તારો બંધ કરવામાં આવે છે. અહીં નજીકમાં મોટી હોસ્પિટલો અને શાળાઓ પણ છે, જેને વારંવાર થતા પ્રદર્શનોથી અસર થાય છે.
9 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે પણ જંતર-મંતરના વિકલ્પ તરીકે એવી મોટી જગ્યા શોધવાની વાત કરી હતી, જ્યાં પાણી, શૌચાલય અને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ હોય.
જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન 1993થી શરૂ થયાં હતાં. તે પહેલાં મોટા પ્રદર્શનો સંસદ નજીક બોટ ક્લબ ખાતે થતાં હતાં. 1988માં બોટ ક્લબ ખાતે મહેન્દ્ર સિંહ ટિકૈતના નેતૃત્વમાં મોટું ખેડૂત આંદોલન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી પહોંચ્યા હતા. ત્યાર બાદ બોટ ક્લબ ખાતે ભીડ એકત્ર કરવા અંગે સખ્તાઈ વધારવામાં આવી. 1993માં બોટ ક્લબ ખાતે પ્રદર્શન પર પ્રતિબંધ મૂકાયો, ત્યાર બાદ જંતર-મંતર પર ધરણાં શરૂ થયાં. સંસદ નજીક હોવાથી અહીં પ્રદર્શન કરીને સરકાર સુધી વાત પહોંચાડવી સરળ હતી. ધીમે-ધીમે આ સ્થળ મોટા પ્રદર્શનનું કેન્દ્ર બની ગયું. જોકે, તે સમયે જંતર-મંતરને પ્રદર્શન સ્થળ બનાવવા માટે સરકાર તરફથી કોઈ અલગ સત્તાવાર મંજૂરી આપવામાં આવી નહોતી. દિલ્હી પોલીસ ત્યાં પ્રદર્શનની મંજૂરી આપવા લાગી અને આ વ્યવસ્થા પ્રચલિત થઈ ગઈ.
2017માં જંતર-મંતર પર પ્રદર્શન રોકવાનો આદેશ આવ્યો હતો, કારણ કે આસપાસ રહેતા લોકોએ ઘોંઘાટ અને ગંદકી અંગે ફરિયાદ કરી હતી. ત્યાર બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ ત્યાં પ્રદર્શન રોકવા અને પ્રદર્શનકારીઓને રામલીલા મેદાનમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.