સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં જન્માષ્ટમીની ઉજવણી: લાઠી, ગોધરા અને નસવાડીમાં મટકી ફોડ અને ગરબા

ગુજરાતમાં જન્માષ્ટમીની ઉજવણી: લાઠી, ગોધરા અને નસવાડીમાં મટકી ફોડ અને ગરબા

સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ. મધરાતે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવના નાદથી મંદિરો અને શેરીઓ ગુંજી ઉઠી. રાજ્યના વિવિધ શહેરો અને ગામડાઓમાં શોભાયાત્રા, મટકી ફોડ, રાસ-ગરબા અને ભજન-કીર્તનની રમઝટ જોવા મળી હતી.

અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં યુવા ગ્રૂપ દ્વારા આયોજિત ઉજવણીમાં આખું શહેર રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. ઢોલ-નગારાના તાલ અને આતશબાજી વચ્ચે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. મહિલાઓએ પરંપરાગત દાંડિયા રાસ રમીને કાનુડાના જન્મને વધાવ્યો હતો, જ્યારે યુવાનોમાં મટકી ફોડને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ઐતિહાસિક રણછોડજી મંદિર ચોક ખાતે રણછોડજી મંદિર યુવક મંડળ દ્વારા ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. ભક્તિમય માહોલમાં મધરાતે કૃષ્ણ જન્મ બાદ ગોવિંદાઓએ મટકી ફોડીને ઉત્સવ ઉજવ્યો હતો. આ દૃશ્ય નિહાળવા મોટી સંખ્યામાં ગોધરાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલા જલારામ બાપાના મંદિરમાં છેલ્લા 30 વર્ષથી જન્માષ્ટમી ઉજવવાની પરંપરા જળવાઈ રહી છે. આ વર્ષે પણ મોડી રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ બાદ ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી હિંચકે ઝુલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મટકી ફોડ, ભજન-કીર્તન અને મોડી રાત સુધી ગરબાના કાર્યક્રમો યોજાયા હતા. ભક્તોએ દર્શન અને પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.