સત્ય. સાહસ. સંકલ્પ.

શામળાજી અને ડાકોરમાં જન્માષ્ટમી: મધરાત્રે જન્મોત્સવ, દર્શન સમયમાં ફેરફાર

શામળાજી અને ડાકોરમાં જન્માષ્ટમી: મધરાત્રે જન્મોત્સવ, દર્શન સમયમાં ફેરફાર

શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ એટલે કૃષ્ણ જન્માષ્ટમીનો પાવન અવસર. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના માટે જન્મ ધારણ કર્યો હતો. હિન્દુ ધર્મમાં આ પર્વનું વિશેષ મહત્વ છે. દેશ-વિદેશના કૃષ્ણ મંદિરોમાં આજે વિશેષ પૂજા અને ઉજવણીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગુજરાતના બે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી અને ડાકોરમાં પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

શામળાજીમાં વિશેષ તૈયારીઓ

અરવલ્લી જિલ્લાના શામળાજીમાં ભગવાન શામળિયાના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા છે. મંદિરની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજનો કાર્યક્રમ આ મુજબ છે: સવારે 6 વાગ્યે મંદિર ખૂલ્યું, 6:45 કલાકે મંગળા આરતી, 8:30 કલાકે પંચામૃત અભિષેક, 9:15 કલાકે શણગાર આરતી અને 11:30 કલાકે રાજભોગ પછી દ્વાર બંધ કરાયા. બપોરે 12:15 કલાકે રાજભોગ આરતી સાથે દ્વાર ફરી ખૂલ્યા.

સાંજે 7 વાગ્યે સંધ્યા આરતી યોજાશે, ત્યારબાદ રાત્રે 8 વાગ્યે ભગવાનને શયન ભોગ ધરાવાશે અને લાલજી મહારાજના ભજન-સત્સંગનું આયોજન થશે. મધરાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે, ત્યારબાદ આરતી થશે. રાત્રે 1 વાગ્યે મંગલ મંદિર સાથે દ્વાર બંધ કરાશે.

ડાકોરમાં ભક્તોનો ઘસારો

ખેડા જિલ્લાના ડાકોરમાં પણ આજે જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વહેલી સવારે 6:45 કલાકે કાળિયા ઠાકરની મંગળા આરતી યોજાઈ હતી. ભક્તો શણગાર દર્શન કરવા માટે આતુર હતા. મધરાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે, ભગવાનના કપાળે તિલક કરાશે. 'નંદ ઘેર આનંદ ભયો'ના નાદથી મંદિર પરિસર અને ગલીઓ ગુંજી ઉઠશે.

જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં રાખીને ડાકોર ટેમ્પલ કમિટીએ દર્શનના સમયમાં ફેરફાર કર્યો છે. ભગવાનના દ્વાર બપોરે 1 વાગ્યે બંધ કરાયા હતા અને સાંજે 4:45 કલાકે ફરીથી ખોલવામાં આવશે. બંને યાત્રાધામોમાં ભક્તિમય માહોલ છે અને સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું છે.