અમદાવાદ શહેર કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી માટે તૈયાર છે. શહેરના વિવિધ કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મંદિરોમાં છપ્પન ભોગની વ્યવસ્થા કરવામાં આવી છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે. મંદિરોને ભવ્ય શણગાર અને વિશેષ રોશનીથી સજાવવામાં આવ્યા છે.
જન્માષ્ટમીના દિવસે વહેલી સવારથી જ અમદાવાદના મંદિરોમાં ભક્તોનો ધસારો શરૂ થઈ ગયો છે. પરિવાર સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચી રહ્યા છે. 'નંદ ઘેર આનંદ ભયો' ના જયઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું છે. મધરાત્રિના બાર વાગ્યે કૃષ્ણ જન્મની ઉજવણી કરાશે, જેની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ભક્તો ભજન-કીર્તનમાં લીન થઈને શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા છે. એક ભક્તે જણાવ્યું કે તેઓ છેલ્લા ચાર વર્ષથી આ ઉત્સવમાં ભાગ લે છે અને કૃષ્ણ ભક્તિમાં તેમને થાક નથી લાગતો. તેમના મતે મંદિર આવીને દુઃખ-દર્દ ભૂલીને હળવાફૂલ થવાની અનુભૂતિ થાય છે. અન્ય ભક્તે ઇસ્કોન મંદિર, એસ.જી. હાઈવેનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ છેલ્લા 15-17 વર્ષથી જન્માષ્ટમી પર ત્યાં જાય છે. તેમણે મંદિરના શણગાર અને લાઈટિંગની પ્રશંસા કરી.
સામાન્ય દિવસો કરતાં જન્માષ્ટમી પર ભગવાનનો શણગાર વિશેષ હોય છે. પૂજારીઓ દ્વારા ભગવાનની આગતા-સ્વાગતામાં કોઈ કસર રાખવામાં આવી નથી. ભીડને ધ્યાનમાં રાખીને મંદિર વ્યવસ્થાપકોએ જરૂરી વ્યવસ્થા કરી છે. સમગ્ર શહેરમાં આધ્યાત્મિક વાતાવરણ છવાયું છે અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.