સત્ય. સાહસ. સંકલ્પ.

જાહ્નવી કપૂરની જીભ વાળવાની ટ્રિક ચર્ચામાં, ડીપફેક વીડિયો પર પણ ચર્ચા

જાહ્નવી કપૂરની જીભ વાળવાની ટ્રિક ચર્ચામાં, ડીપફેક વીડિયો પર પણ ચર્ચા

બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર આ દિવસોમાં પેરિસ ફેશન વીક 2026માં ભાગ લેવા ફ્રાન્સમાં છે. આ દરમિયાન તેમણે એક ઇન્ટરવ્યૂમાં પોતાની એક અસામાન્ય આવડત વિશે જણાવ્યું, જેના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે.

જાહ્નવીએ કહ્યું કે તેઓ પોતાની જીભને 360 ડિગ્રી સુધી વાળી શકે છે. તેમણે આને મૂર્ખતાભર્યું અને બિનજરૂરી ગણાવ્યું, છતાં યુઝર્સે તેમની મજાક ઉડાવીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.

ધ કટ સાથેની વાતચીતમાં તેમને પૂછવામાં આવ્યું કે તેમની કોઈ છુપાયેલી કુશળતા છે કે નહીં. જવાબમાં તેમણે હસતાં હસતાં આ ટ્રિક વિશે જણાવ્યું અને સ્પષ્ટ કર્યું કે આ કોઈ મોટી કાબેલિયત નથી.

જાહ્નવીએ આ ટ્રિક શીખવા પાછળનું કારણ પણ શેર કર્યું. શાળામાં ભણતી વખતે બાકીના બાળકો જીભથી નાકને અડાડવાનો પ્રયાસ કરતા. તેમને તે ન આવડતું, તેથી તેમણે બીજા બાળકોને પ્રભાવિત કરવા અલગ રસ્તો શોધ્યો - જીભને વાળવાની ટ્રિક. ધીમે ધીમે આ તેમની મિત્રો વચ્ચે બતાવવાની ટ્રિક બની ગઈ.

સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે તેમને ટ્રોલ કર્યા. એક યુઝરે લખ્યું, 'નેપો કિડ્સ પાસે આવી બિનજરૂરી ટ્રિક્સ હોય છે.' બીજા એક યુઝરે અનન્યા પાંડે સાથે સરખામણી કરતાં કહ્યું, 'અનન્યા પાસે પણ આવું ટેલેન્ટ હતું, મને લાગ્યું હતું કે આ લોકો અભિનય શીખી રહ્યાં છે.' અન્ય ઘણા યુઝર્સે આ નિવેદનને બિનજરૂરી ગણાવ્યું.

આ ચર્ચા વચ્ચે, તાજેતરમાં જાહ્નવી કપૂરની ફિલ્મ 'દેવરા: પાર્ટ 1'ના ગીત 'ચુટ્ટામલ્લે' પર બનાવવામાં આવેલો AI જનરેટેડ અશ્લીલ (ડીપફેક) વીડિયો વાયરલ થયો હતો. આ મામલે તેમણે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેમણે ટેક્નોલોજીના દુરુપયોગને જાતીય ઉત્પીડન સમાન ગણાવ્યો. તેમણે કહ્યું, 'મહિલાઓની સંમતિ વિના આવું કન્ટેન્ટ બનાવવું તેમની ગરિમાનું ગંભીર ઉલ્લંઘન છે.' તેમણે આ મુદ્દે ખુલ્લેઆમ બોલવા બદલ કો-એક્ટર જુનિયર એનટીઆર, ચિરંજીવી, વિજય દેવરકોંડા અને ખુશ્બૂનો આભાર વ્યક્ત કર્યો.

જાહ્નવીએ વધુમાં કહ્યું કે, 'મહિલાઓને માત્ર વસ્તુ તરીકે દર્શાવવી અને તેમની સંમતિ વિના એડિટેડ કન્ટેન્ટ ફેલાવવું ગંભીર બાબત છે. આ ગુનાહિત કૃત્ય લગભગ જાતીય સતામણી સમાન છે.' તેમણે ઉમેર્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લગભગ દરેક મહિલાએ આ મુશ્કેલીનો સામનો કર્યો છે અને હવે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર સામાન્ય મહિલાઓ પણ ભોગ બની રહી છે.

મહિલાઓની સંમતિ અને ઇચ્છાનું સન્માન થવું જોઈએ તે વાત પર ભાર મૂકતાં તેમણે કહ્યું, 'જો કોઈ મહિલા પાંચ દિવસ હા કહે અને છઠ્ઠા દિવસે ના કહે, તો તે ના નું સન્માન થવું જોઈએ. મિનીસ્કર્ટ પહેરવાનો અર્થ એ નથી કે કોઈ તેના નીચે કેમેરો મૂકે અથવા તેના શરીરનો ખોટો ઉપયોગ કરે. મહિલા કઈ બાબતમાં સહજ છે અને પોતાની મર્યાદા ક્યાં નક્કી કરે છે, તેનો નિર્ણય સંપૂર્ણપણે તેનો જ હોવો જોઈએ.'

જાહ્નવીએ કહ્યું કે ઑનલાઇન અને ઑફલાઇન બંને જગ્યાએ મહિલાઓને સીમાઓના ઉલ્લંઘનનો સામો કરવો પડે છે. લોકોને ફક્ત પોતાની દીકરીઓની સુરક્ષા કરવાની વાત કરવાને બદલે પોતાની વિચારસરણી બદલવી પડશે. સમાજે એવી માનસિકતા વિકસાવવાની જરૂર છે, જે લોકોને અન્યની ગોપનીયતા અને સીમાઓનું ઉલ્લંઘન કરતા રોકે.