અભિનેત્રી જાહ્નવી કપૂરે તેની ફિલ્મ 'પેદ્દી'માં તેના પાત્રને લઈને ઊભા થયેલા વિવાદ અંગે ખુલીને વાત કરી છે. તેણે સ્વીકાર્યું કે શૂટિંગ દરમિયાન તેમણે આ મુદ્દે વધુ મજબૂતીથી અવાજ ઉઠાવવો જોઈતો હતો. જાહ્નવીએ આ વાત ટીવી શો 'કૉફી વિથ કરણ 9' દરમિયાન કહી, જ્યાં કરણ જોહરે તેમને આ વિવાદ વિશે પ્રશ્ન પૂછ્યો હતો.
કરણે પૂછ્યું, 'પેદ્દી વિવાદ સમયે શું થયું હતું? હું જાણું છું કે આ ઘટનાની તમારા પર ઊંડી અસર પડી હતી અને તે દિવસે મારી તમારી સાથે વાત પણ થઈ હતી.' તેમણે ઉમેર્યું, 'એક તરફ લોકો તમારા સમર્થનમાં હતા કે તમારા પાત્રને ખોટી રીતે દર્શાવવામાં આવ્યું હતું. બીજી તરફ લોકો પૂછતા હતા કે જ્યારે તમે પોતે સેટ પર હાજર હતાં, તો તમે તેને રોક્યું કેમ નહીં?'
જાહ્નવીએ જવાબ આપ્યો, 'મને ઘણું બધું અનુભવાયું, કરણ. હું આ વિશે વાત કરવામાં એટલા માટે અચકાઈ રહી હતી, કારણ કે ઘણા લોકોએ ફિલ્મ પર ખૂબ મહેનત કરી હતી. મને સમજાતું નહોતું કે મારે શું કહેવું જોઈએ. મને એ પણ ખબર નહોતી કે ખરેખર કહેવા માટે કંઈ છે કે નહીં.'
તેમણે કહ્યું, 'મારા ભાગની જવાબદારી લેવી જરૂરી છે. તે સમગ્ર વિવાદમાં મારી જેટલી પણ ભૂમિકા હતી, તેની જવાબદારી મારે લેવી જોઈએ. આવા નેરેટિવની સમાજ પર નકારાત્મક અસર પડી શકે છે. ખાસ કરીને મારા જેન્ડર એટલે કે મહિલાઓ પર તેની અસર થઈ શકે છે.' તેમણે ઉમેર્યું, 'આ વાત મારા અંતરાત્મા પર ભારે છે. આ વાતની શરમિંદગી હંમેશાં મારી સાથે રહેશે.'
જાહ્નવીએ સ્વીકાર્યું કે તેઓ આ મુદ્દાને વધુ જોરથી ઉઠાવી શક્યા હોત. તેમણે કહ્યું, 'શું હું કંઈક વધુ કરી શકતી હતી? શું હું વધુ સાવચેત રહી શકતી હતી? શું હું આ મુદ્દાને લઈને વધુ જોરથી અવાજ ઉઠાવી શકતી હતી? આ તમામ પ્રશ્નોના જવાબ સો ટકા હા છે.'
તેમણે વધુમાં જણાવ્યું, 'શું આ સમસ્યા ઊભી કરનારી વાત હતી? શું તેમાં ખૂબ જ ઓબ્જેક્ટિફિકેશન હતું? શું તેણે વાર્તાના સ્તરે જાતીય હુમલાને પ્રોત્સાહન આપ્યું? હા.' તેમણે કહ્યું, 'હવે હું માત્ર એ સુનિશ્ચિત કરી શકું છું કે આવું ફરી ન થાય.'
જાહ્નવીએ એમ પણ કહ્યું કે તેઓ જવાબદારી બીજા પર ઢોળવા માંગતા નથી, પરંતુ કલાકારો ઘણીવાર ડિરેક્ટરના નિર્દેશોનું પાલન કરવાની સ્થિતિમાં હોય છે. તેમણે કહ્યું, 'તમે જાણો છો કે આ કેવું હોય છે. તમને લાગે છે કે ડિરેક્ટર જે કહી રહ્યા છે, તમારે એ જ કરવાનું છે. તમારે વ્યાવસાયિક રહેવું પડે છે. તમારે ડિરેક્ટરની વાત સાંભળવી પડે છે.'
તેમણે ઉમેર્યું, 'સ્ક્રિપ્ટમાં દરેક વખતે એ સ્પષ્ટ હોતું નથી કે દૃશ્ય પડદા પર કેવું દેખાશે. ઘણીવાર એ લખેલું હોતું નથી કે કેમેરાના એંગલ શું હશે. બહુ ઓછા પ્રસંગોએ એવું બને છે કે તમારી પાસે સંપૂર્ણપણે બાઉન્ડ સ્ક્રિપ્ટ હોય.' તેમણે કહ્યું, 'તેથી ઉપલબ્ધ માહિતીના આધારે બાબતોને ઓછું સમસ્યાજનક બનાવવાનો હું પ્રયાસ કરી રહી હતી. જ્યારે-જ્યારે મને કોઈ બાબતની જાણ થતી હતી, ત્યારે જ હું તેને વધુ સારી બનાવવાનો પ્રયાસ કરતી હતી.'
જાહ્નવીએ સ્વીકાર્યું કે તેઓ વિશેષાધિકારવાળી (પ્રીવલેજવાળી) સ્થિતિમાંથી આવે છે. તેમણે કહ્યું, 'પરંતુ તેની સાથે જ મારે મારા હિસ્સાની જવાબદારી પણ લેવી પડશે. હું વિશેષાધિકારવાળી સ્થિતિમાંથી આવું છું. મારે આ વિશેષાધિકારનો લાભ લેવો જોઈતો હતો. આમ પણ વિશેષાધિકાર ધરાવતી હોવા બદલ મારે ટીકા સહન કરવી જ પડે છે, તેથી મારે તેનો ઉપયોગ કરવો જોઈતો હતો.'
ઉલ્લેખનીય છે કે 'પેદ્દી'માં જાહ્નવી કપૂરના પાત્ર અચિયામ્માને દર્શાવવાની રીત અંગે ઘણા દર્શકોએ સવાલો ઉઠાવ્યા હતા. દર્શકોએ પાત્રના સેક્સ્યુઅલાઇઝેશન અને ઑબ્જેક્ટિફિકેશનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ટ્રોલિંગ બાદ ડિરેક્ટર બુચ્ચી બાબુ સનાએ જાહેરમાં માફી માંગી હતી.