સત્ય. સાહસ. સંકલ્પ.

જાહ્નવી કપૂરે 'પેદ્દી' વિવાદમાં મૌન તોડ્યું: 'આ શરમ જીવનભર સાથે રહેશે'

જાહ્નવી કપૂરે 'પેદ્દી' વિવાદમાં મૌન તોડ્યું: 'આ શરમ જીવનભર સાથે રહેશે'

બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે ફિલ્મ 'પેદ્દી' સાથે જોડાયેલા વિવાદ પર પહેલી વાર જાહેરમાં મૌન તોડ્યું છે. સેલિબ્રિટી ચેટ શો 'કોફી વિથ કરણ'ના નવા એપિસોડમાં તેણે કહ્યું કે આ સમગ્ર ઘટનાને લઈને તેને આજે પણ શરમ અને અફસોસ થાય છે.

જાહ્નવીએ કહ્યું કે તે પોતાને પીડિતા તરીકે રજૂ કરવા માંગતી નથી, પરંતુ તે સમયે યોગ્ય વિરોધ ન દર્શાવવા બદલ તે પોતાને વારંવાર દોષી માને છે.

શોમાં કરણ જોહરે 'પેદ્દી' વિવાદ વિશે પૂછ્યું ત્યારે જાહ્નવીએ જણાવ્યું કે ફિલ્મ પાછળ આખી ટીમની મહેનત હોવાથી શરૂઆતમાં તેણે આ મુદ્દે વધારે બોલવાનું ટાળ્યું. તે સમયે પોતાની વાત રજૂ કરવા માટે તેને યોગ્ય શબ્દો પણ નહોતા મળી રહ્યા. પ્રોફેશનલિઝમ જાળવવા અને દિગ્દર્શકના નિર્દેશોનું પાલન કરવાની ગડમથલમાં તે અવાજ ન ઉઠાવી શકી.

અભિનેત્રીએ સ્વીકાર્યું કે તે પ્રતિષ્ઠિત કપૂર પરિવારમાંથી આવે છે અને તેને મળેલા વિશેષાધિકારનો ઉપયોગ તેણે તે સમયે અવાજ ઉઠાવવા માટે કરવો જોઈતો હતો. દક્ષિણ ભારતીય ફિલ્મોમાં સ્ક્રિપ્ટ પહેલેથી પૂરેપૂરી નિશ્ચિત ન હોવાથી પણ તે કેટલીક બાબતો સામે ખુલીને વાંધો ન ઉઠાવી શકી.

જાહ્નવીએ કહ્યું કે તે કોઈ સહાનુભૂતિ મેળવવા માંગતી નથી. આ એક કડવો અનુભવ હતો જેણે તેને અંદરથી ઊંડો આઘાત પહોંચાડ્યો. આ કિસ્સામાંથી તેણે એ બોધપાઠ લીધો છે કે ભવિષ્યમાં આવી સ્થિતિ સર્જાય તો તે ચૂપચાપ સહન નહીં કરે, અવાજ જરૂર ઉઠાવશે.

શું હતો વિવાદ?

ફિલ્મ 'પેદ્દી'માં જાહ્નવી કપૂરના પાત્ર 'અચમ્મા'ના ફિલ્માંકન અને કેમેરા એંગલ્સને લઈને દર્શકોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ફિલ્મના ઘણા દ્રશ્યોમાં તેના શરીરના અંગોને વારંવાર અયોગ્ય રીતે ભાર મૂકીને બતાવવામાં આવ્યા હોવાના આરોપ લાગ્યા હતા.

આ ઉપરાંત એક દ્રશ્યમાં અભિનેતા રામ ચરણનું પાત્ર જાહ્નવીના પાત્રની સહમતિ વિના તેને ચુંબન કરતું બતાવવામાં આવ્યું હતું, જેના કારણે સોશિયલ મીડિયા પર મોટો વિરોધ થયો હતો. દર્શકોનો રોષ જોઈને અંતે ફિલ્મના દિગ્દર્શક બુચી બાબુ સનાએ જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગી હતી.