ભારતીય રેલવેએ ભારત અને નેપાળ વચ્ચે રેલ કનેક્ટિવિટી વધારવા માટે નેપાળના જનકપુર ધામ અને ઉત્તર પ્રદેશના અયોધ્યા કેન્ટ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન સેવાને મંજૂરી આપી છે. આ ટ્રેન 604 કિલોમીટરનું અંતર કાપશે અને દર શનિવારે જનકપુર ધામથી તેમજ દર સોમવારે અયોધ્યા કેન્ટથી ઉપડશે.
આ ટ્રેન બિહાર અને ઉત્તર પ્રદેશના મહત્વના શહેરોમાંથી પસાર થશે. બંને ટર્મિનલ સ્ટેશન ઉપરાંત ટ્રેનને 10 સ્ટેશનો પર કોમર્શિયલ સ્ટોપેજ આપવામાં આવ્યા છે. જેમાં બિહારમાં જયનગર, મધુબની, શિશો, સીતામઢી, રક્સૌલ અને નરકટિયાગંજ તેમજ ઉત્તર પ્રદેશમાં ગોરખપુર, બસ્તી, મનકાપુર અને અયોધ્યા ધામ ખાતે ટ્રેન ઉભી રહેશે.
આ સેવા યાત્રાળુઓ, પ્રવાસીઓ અને સરહદી નાગરિકોને સીધી રેલ સુવિધા આપશે. તેનાથી પ્રવાસન, વેપાર અને સામાજિક સંબંધોને વેગ મળશે. રામાયણ સર્કિટ સાથે જોડાયેલા પ્રવાસનને પ્રોત્સાહન મળશે અને શિક્ષણ, વેપાર કે પારિવારિક કારણોસર સરહદ પાર મુસાફરી કરતા લોકોને પરિવહનનો સારો વિકલ્પ મળશે. બિહાર અને નેપાળના સરહદી વિસ્તારોમાં રહેતા સમુદાયો વચ્ચે આર્થિક અને સામાજિક સંબંધો વધુ મજબૂત થશે, તેમજ રૂટ પરના ટૂર ઓપરેટર્સ, હોસ્પિટાલિટી વ્યવસાયો, સ્થાનિક વેપારીઓ અને પરંપરાગત કારીગરો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.