સત્ય. સાહસ. સંકલ્પ.

જમુઈ છેડતી કેસ: નંદન યાદવની ધરપકડ કરવા ગયેલી પોલીસે તેના પિતાને 21 વર્ષ પછી ઝડપ્યો

જમુઈ છેડતી કેસ: નંદન યાદવની ધરપકડ કરવા ગયેલી પોલીસે તેના પિતાને 21 વર્ષ પછી ઝડપ્યો

બિહારના જમુઈ જિલ્લામાં સગીરા સાથે છેડતીના મુખ્ય આરોપી નંદન યાદવની ધરપકડ કરવા ગયેલી પોલીસને એક એવી સફળતા મળી છે, જેની કોઈએ અપેક્ષા નહોતી રાખી. નંદન યાદવના પિતા ગનોરી યાદવ 2003ના બેવડા હત્યાકાંડના કેસમાં 21 વર્ષથી ફરાર હતા. પોલીસે તેમને તેમના જ ઘરેથી ઝડપી લીધા છે.

જમુઈના લખીસરાઈ સરહદ નજીક 19 સપ્ટેમ્બરના રોજ કોચિંગ ક્લાસમાંથી પરત ફરી રહેલી ધોરણ 10ની એક સગીરા અને તેના મિત્રને કેટલાક અસામાજિક તત્ત્વોએ રસ્તામાં રોક્યા હતા. આ લોકોએ સગીરા સાથે ખુલ્લી રીતે છેડતી કરી, તેની સાથે જબરદસ્તી કરી, તેને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો અને બંને સગીરોને મારપીટ પણ કરી. બંને સગીરો કરગરતા રહ્યા, પરંતુ આ તત્ત્વોએ તેમની લાચારીનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. વીડિયો વાયરલ થતાં દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો અને પોલીસે એસઆઈટી રચીને તાત્કાલિક તપાસ શરૂ કરી.

પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ કરીને પહેલા ત્રણ સગીરોની અટકાયત કરી. ત્યારબાદ મુખ્ય આરોપી નંદન યાદવ અને તેના સાથીદાર હરેરામની શોધમાં તેમના ઘર સહિતના સ્થળે દરોડા પાડ્યા. આ દરમિયાન નંદન યાદવે પોલીસ પર ગોળીબાર કરીને ભાગવાનો પ્રયાસ કર્યો, જેમાં પોલીસના વળતા જવાબમાં તેના પગમાં ગોળી વાગી. તેના સાથીદાર હરેરામે પણ ભાગવાનો પ્રયાસ કર્યો, જેમાં તેના ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ. પોલીસે બંનેને હોસ્પિટલમાં દાખલ કરીને અટકાયતમાં લીધા છે.

નંદન યાદવની ધરપકડ બાદ જમુઈ પોલીસે તેના પરિવારની પૃષ્ઠભૂમિની તપાસ અને પૂછપરછ હાથ ધરી, ત્યારે ચોંકાવનારી માહિતી મળી. નંદનના પિતા ગનોરી યાદવ કોઈ સામાન્ય નાગરિક નથી, પરંતુ બિહાર પોલીસનો વોન્ટેડ ગુનેગાર છે. પોલીસ રેકોર્ડ મુજબ, 3 એપ્રિલ 2003ના રોજ પ્રતાપપુર ગામમાં વ્યાપારિક વિવાદ અને જૂની અદાવતમાં ડી.પી. યાદવ અને પૂના યાદવ નામના બે સગા ભાઈની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં મૃતકની માતા સંસાર દેવીએ ગનોરી યાદવ સામે નામજોગ એફઆઈઆર નોંધાવી હતી. આ હત્યાકાંડ બાદ ગનોરી યાદવ 21 વર્ષથી ફરાર હતો.

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ગનોરી યાદવની ધરપકડ હાલના છેડતી કેસમાં નહીં, પરંતુ 2003ના બેવડા હત્યા કેસના જૂના વોરંટના આધારે કરવામાં આવી છે. નંદન યાદવ અને તેના સાથીઓ સામે છેડતી અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધીને જેલમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે ગનોરી યાદવને 21 વર્ષ જૂના બેવડા હત્યા કેસમાં ધરપકડ કરીને જેલહવાલે કરવામાં આવ્યો છે. પોલીસ આગળની તપાસ કરી રહી છે.