સત્ય. સાહસ. સંકલ્પ.

ઝારખંડમાં ગમખ્વાર માર્ગ અકસ્માત: મંત્રી દીપિકા પાંડેની પુત્રી સહિત ચારના મોત

ઝારખંડમાં ગમખ્વાર માર્ગ અકસ્માત: મંત્રી દીપિકા પાંડેની પુત્રી સહિત ચારના મોત

ઝારખંડના જમશેદપુર જિલ્લાના દોમુહાની વિસ્તારમાં મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. એક કાર અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં ચાર લોકોના મોત થયા છે. મૃતકોમાં ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી દીપિકા પાંડે સિંહની પુત્રી પણ સામેલ છે.

અકસ્માત એટલો ભયાનક હતો કે કારના પરખચ્ચા ઉડી ગયા હતા અને કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસ અને રાહત-બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ ઘટનાના સમાચાર સામે આવતાં જ ઝારખંડના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મંત્રીના પરિવાર અને સ્વજનોએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. ઇરફાન અંસારી સહિત અનેક અગ્રણીઓએ સોશિયલ મીડિયા પર આ ઘટનાને અત્યંત પીડાદાયક ગણાવીને શોક વ્યક્ત કર્યો છે.

પોલીસ આ અકસ્માત કઈ પરિસ્થિતિઓમાં થયો અને તેના માટે કયા પરિબળો જવાબદાર હતા તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે દીપિકા પાંડે સિંહ સરકારમાં મંત્રી છે અને તાજેતરમાં જ રાંચીમાં જેપીએસસી-જેએસએસસી (JPSC-JSSC)ના વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન તેમણે સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓના લોકશાહી અધિકારોને સમર્થન આપતાં વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી હતી અને પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કે બળપ્રયોગ ન કરવા પર ભાર મૂક્યો હતો. 17 ઓગસ્ટે તેમણે રાંચી સદર હોસ્પિટલ પહોંચીને વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતોનું ઉપવાસ પણ પુરું કરાવ્યું હતું.

હાલ આ અણધારી કૌટુંબિક દુર્ઘટનાને કારણે સમગ્ર રાજકીય વર્તુળમાં શોકનું વાતાવરણ છવાયું છે.