સત્ય. સાહસ. સંકલ્પ.

જામનગરમાં પાણીની અછત વચ્ચે મનપાના સમ્પ પરથી લાખો લિટર પાણી વહી ગયું

જામનગરમાં પાણીની અછત વચ્ચે મનપાના સમ્પ પરથી લાખો લિટર પાણી વહી ગયું

જામનગરમાં પાણીની અછત અને દુષ્કાળની સ્થિતિ વચ્ચે શહેરના દિગજામ સર્કલ પર આવેલા મહાનગરપાલિકાના પાણીના સમ્પ પરથી લાખો લિટર શુદ્ધ પીવાનું પાણી રોડ પર વેડફાઈ ગયું છે. આ ઘટના ફરજ પર હાજર કર્મચારીની બેદરકારીને કારણે બની હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં દિગજામ સર્કલ ખાતેના પાણીના સમ્પ પર ફરજ પર રહેલો કર્મચારી ઊંઘી ગયો હતો. તેની લાપરવાહીને કારણે ટાંકી સતત ઓવરફ્લો થતી રહી અને પાણી સમ્પની અંદર તેમજ બહાર ભરાઈ ગયું. ટાંકી ઉભરાવાને કારણે પાણીનો મોટો પ્રવાહ છેક મુખ્ય રોડ સુધી રેલાઈ આવ્યો અને જાહેર રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યું.

અડધી રાત્રે રોડ પર પાણીનો પ્રવાહ જોઈ રાહદારીઓ અને સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. આ લાપરવાહીનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો હતો. મોડે મોડે કોઈ જાગૃત નાગરિકે તંત્રને જાણ કરતાં મહાનગરપાલિકાની આંખ ઉઘડી હતી અને પાણીનો પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.

જે સમયે જામનગરના નાગરિકો પાણીના એક-એક ટીપા માટે મુશ્કેલી ભોગવી રહ્યા છે, તેવા સમયે મનપાના કર્મચારીઓની આવી લાપરવાહી સામે શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોએ ઘટનામાં જવાબદાર કર્મચારી અને અધિકારીઓ સામે ત્વરિત કડક શિસ્તભંગની કાર્યવાહીની માંગ કરી છે.