સત્ય. સાહસ. સંકલ્પ.

જામનગરમાં જૂની દિવાલ તૂટી પડતાં શ્રમિકનું મોત, બે ઘાયલ

જામનગરમાં જૂની દિવાલ તૂટી પડતાં શ્રમિકનું મોત, બે ઘાયલ

જામનગરના મહાવીર સોસાયટી વિસ્તારમાં ગીતા મંદિર પાસે શુક્રવારે (30 ઓક્ટોબર) જૂના મકાનની જર્જરિત દિવાલનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં કાટમાળ નીચે દટાયેલા ત્રણ શ્રમિકોમાંથી એકનું મૃત્યુ થયું છે, જ્યારે બે ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગીતા મંદિર પાસે જયુ દાસાણી નામના વ્યક્તિના મકાનમાં જૂની દિવાલ પાડવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક દિવાલનો ભાગ તૂટી પડતાં ત્યાં કામ કરી રહેલા સુનીલ, કારુ અને જતીન ચૌહાણ કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

બનાવની જાણ થતાં જામનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી ત્રણેય શ્રમિકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સુનીલની હાલત અત્યંત ગંભીર હતી અને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. કારુ અને જતીનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મૃતક સુનીલ અને ઈજાગ્રસ્ત કારુ મૂળ મધ્ય પ્રદેશના વતની હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ થતાં સિટી ‘બી’ ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.