સત્ય. સાહસ. સંકલ્પ.

જામનગરમાં વિજયાદશમીએ શસ્ત્રપૂજન: શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ રિવોલ્વરની પૂજા કરી પરંપરા નિભાવી

જામનગરમાં વિજયાદશમીએ શસ્ત્રપૂજન: શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ રિવોલ્વરની પૂજા કરી પરંપરા નિભાવી

જામનગરમાં વિજયાદશમીના પવિત્ર પર્વ પ્રસંગે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત શસ્ત્રપૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ મહોત્સવમાં રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા તેમજ પૂર્વ મંત્રી હકુભા જાડેજા સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ સમગ્ર ક્ષત્રિય સમાજ અને નગરજનોને વિજયાદશમી પર્વની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આસો નવરાત્રિના પવિત્ર નોરતા બાદ ઉજવાતો દશહેરાનો પર્વ અસત્ય પર સત્યના અને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે. તેમણે પ્રભુ શ્રી રામચંદ્રજી અને જગતજનની મા આશાપુરાના ચરણોમાં શિશ નમાવીને સૌ નાગરિકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સમાજની એકતા અને અખંડિતતા સાથે યુવા પેઢીને સમાજ ઉત્થાન તેમજ રાષ્ટ્ર ઉત્થાનના માર્ગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે જ આજના પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

વર્ષોથી ચાલી આવતી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખવાના ઉદ્દેશ્યથી દર વર્ષે યોજાતા આ મહોત્સવમાં ઉપસ્થિત રાજકીય અને સામાજિક નેતાઓએ સમાજના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરીને પરંપરાઓનું જતન કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજની પ્રાચીન પરંપરા, સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનું જતન કરવા અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. વિજયાદશમીના આ મહોત્સવના માધ્યમથી સમાજમાં એકતા, મજબૂત સંગઠન અને પરસ્પર ભાઈચારાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર આયોજન અત્યંત પવિત્ર અને ધાર્મિક વાતાવરણમાં ઉત્સાહપૂર્વક યોજાયું હતું અને ઉપસ્થિત સૌએ પોતાના સાંસ્કૃતિક મૂલ્યોને આગળ ધપાવવાનો સંકલ્પ લીધો હતો.