જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં તહેવારોની મોસમ શરૂ થતાં જ મીઠાઈના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાંડ, દૂધ, માવો અને ઘી જેવા કાચા માલના ભાવમાં થયેલા ઉછાળાને કારણે મીઠાઈના ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં વેપારીઓએ ભાવ વધાર્યા છે.
અગાઉ 400 થી 600 રૂપિયા પ્રતિ કિલોમાં મળતી મીઠાઈ હવે 650 થી 1000 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે. આ વધારાથી ગ્રાહકો પર સીધો બોજ પડ્યો છે, અને તેઓ જથ્થો ઘટાડીને ખરીદી કરવા મજબૂર બન્યા છે. જ્યાં અગાઉ લોકો એક કિલો મીઠાઈ ખરીદતા હતા, ત્યાં હવે અડધો કિલો અથવા ઓછી માત્રામાં ખરીદી કરી રહ્યા છે.
મીઠાઈ વેપારીઓ પણ આ સ્થિતિથી ચિંતિત છે. જો ભાવ ન વધારવામાં આવે તો નફાનો માર્જિન ઘટી જાય છે, અને ભાવ વધારવાથી વેચાણ ઘટવાની ભીતિ છે. એક વેપારીના જણાવ્યા મુજબ, જે મીઠાઈ અગાઉ 400-450 રૂપિયામાં વેચાતી હતી, તે હવે 750-800 રૂપિયા સુધી પહોંચી ગઈ છે, અને વેચાણ લગભગ 50% ઘટ્યું છે. હજુ ભાવ વધવાની શક્યતા છે.
આ મોંઘવારી વચ્ચે તહેવારોની મીઠાશ જાળવી રાખવી સૌ માટે પડકાર બની છે.