જામનગર જિલ્લામાં આ સિઝનમાં અત્યંત ઓછો વરસાદ પડ્યો છે. દુષ્કાળની ચેતવણી વચ્ચે વરસાદે પણ હાથ ખેંચી લેતાં જિલ્લાના જળાશયોમાં પાણીનો જથ્થો ઝડપથી ઘટવા લાગ્યો છે. પાણી પૂરું પાડતા મુખ્ય ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે, જે ચિંતાનો વિષય બન્યો છે.
હાલ રણજીતસાગરમાં 27.5 ટકા, ઊંડ-1માં માત્ર 6.11 ટકા, રસોઈમાં 7.1 ટકા અને આજી-3માં 61.33 ટકા પાણી બચ્યું છે. શહેરને રણજીતસાગરથી 40 MLD, ઊંડ-1થી 35 MLD, આજી-3થી 40 MLD અને નર્મદા આધારિત વ્યવસ્થાથી 10 MLD પાણી મળે છે. પાણી બચાવવા માટે હવે અનેક વિસ્તારોમાં દૈનિકને બદલે એકાંતરે અને મર્યાદિત સમય માટે પાણી અપાઈ રહ્યું છે.
તંત્ર હાલ નર્મદા અને સૌની યોજનાના પાણી પર નિર્ભર છે. ઊંડ-1 અને રણજીતસાગરમાં સૌનીનું પાણી ઠાલવવાનું શરૂ થયું છે. જો વરસાદ ન પડે અને પૂરતું પાણી ન મળે તો વધુ કાપની શક્યતા છે. સ્થાનિક લોકોની માગ છે કે પૂરતું પાણી નિયમિત રીતે પહોંચાડવામાં આવે.
બીજી તરફ મનપાની સ્ટેન્ડિંગ કમિટની બેઠકમાં પાણીની ઘટ અને વિતરણ મુદ્દે ચર્ચા થઈ છે. ડેમોમાં પાણી પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે.