સત્ય. સાહસ. સંકલ્પ.

જામનગર મનપામાં મિલકતવેરા કૌભાંડ: પાંચ આઉટસોર્સ કર્મચારી ફરજ મોકૂફ

જામનગર મનપામાં મિલકતવેરા કૌભાંડ: પાંચ આઉટસોર્સ કર્મચારી ફરજ મોકૂફ

જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખામાં ટેક્સ વસૂલાતમાં ગંભીર ગેરરીતિ સામે આવતાં પ્રશાસને કાર્યવા�હી હાથ ધરી છે. કોઈ પણ અરજદારની અરજી વગર જ મિલકતવેરાની રકમમાં ગેરકાયદે ઘટાડો કરાયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ મામલે પાંચ આઉટસોર્સ કર્મચારીને ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે, જ્યારે બે કાયમી કર્મચારી સામે ખાતાકીય તપાસના આદેશ કરાયા છે.

આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ) દ્વારા રજૂ કરાયેલા તપાસ રિપોર્ટના આધારે સામાન્ય વહીવટ વિભાગે આ કાર્યવાહી કરી હતી. ફરજ પરથી દૂર કરાયેલા પાંચમાં ત્રણ ઓપરેટર અને બે પ્યુનનો સમાવેશ થાય છે. સાગર પરમાર, સાગર કદાવલા, નેન્સી ભડાણીયા, આયુષી વાઘમાશી, ભાવિકાબેન દાઉદિયા અને મિલીબેન વીંછીની આ કૌભાંડમાં સંડોવણી સામે આવી છે.

મળતી વિગતો અનુસાર, મિલકતવેરા શાખાના કોમ્પ્યુટર રૂમમાંથી કેટલાક બાકી વેરાની વસૂલાત થાય તે પહેલાં જ કોમ્પ્યુટરમાંથી તેમના નામની એન્ટ્રી ડિલીટ કરી દેવામાં આવી હતી. આમ આસામીને ફાયદો અપાવવાનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ બાબત ટેક્સ શાખાના ઉચ્ચ અધિકારીના ધ્યાને આવતાં તેમણે સમગ્ર કૌભાંડ પકડી પાડ્યું અને કમિશનરના ધ્યાને મૂક્યું હતું.

આઈડીના દુરુપયોગના મામલે કાયમી અને કોન્ટ્રાક્ટ કર્મચારી સામે ખાતાકીય તપાસ ચાલી રહી છે. મિલકતવેરાની રકમમાં થયેલા ગેરકાયદે ફેરફારો અને આઈડીના દુરુપયોગ અંગેની તપાસ હવે આગળ વધશે. આગામી દિવસોમાં આ સમગ્ર કૌભાંડ અંગે મહાનગરપાલિકા તરફથી સત્તાવાર પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવે તેવી શક્યતા છે.