સત્ય. સાહસ. સંકલ્પ.

જામનગર પોક્સો કોર્ટનો ચુકાદો: 8 વર્ષની બાળકીની હત્યાના આરોપીને ફાંસીની સજા

જામનગર પોક્સો કોર્ટનો ચુકાદો: 8 વર્ષની બાળકીની હત્યાના આરોપીને ફાંસીની સજા

જામનગર જિલ્લાના સિક્કા ગામે 8 વર્ષની બાળકીની ઘાતકી હત્યાના કેસમાં પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આરોપી નીતિન ડોસાજી માણેકને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આ કેસને 'રેરેસ્ટ ઓફ ધ રેર' (અત્યંત ગંભીર) ગણાવ્યો છે.

ઘટના 2025માં બની હતી. આરોપીએ બાળકીને આશરે એક મહિના સુધી શારીરિક ત્રાસ આપ્યો, દિવાસળીથી ડામ આપ્યા, લોખંડના દસ્તા-ધોકા વડે માર માર્યો અને દીવાલ સાથે ભટકાડીને હત્યા કરી. આ ગુનો શરૂઆતમાં અજાણ્યો હતો, પરંતુ પોલીસે તપાસ હાથ ધરતાં આરોપીની સંડોવણી સામે આવી.

પોલીસે આરોપીની ધરપકડ કરીને વૈજ્ઞાનિક, ટેકનિકલ અને દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યા. માત્ર 35 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી. સરકારી વકીલે 23 સાક્ષીઓ અને 95 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા.

કોર્ટે આરોપીને હત્યાના ગુનામાં ફાંસીની સજા, પોક્સો એક્ટ હેઠળ આજીવન કેદ અને ₹50,000 દંડ ફટકાર્યો છે. આ ચુકાદો બાળકો સામેના ગંભીર ગુનાઓમાં ન્યાયની ઝડપી પ્રક્રિયાનું ઉદાહરણ છે.