જામનગરમાં શિક્ષણ વિભાગના નવા પરિપત્રને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. શાળાઓમાં બહારની વ્યક્તિઓના પ્રવેશ તેમજ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર નિયંત્રણ મૂકતા આ પરિપત્ર સામે કોંગ્રેસ નેતા નયનાબા જાડેજાએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા સામે સીધું નિશાન સાધ્યું હતું.
નયનાબાએ કટાક્ષ કરતાં કહ્યું કે, "શિક્ષણમંત્રી રીલ બનાવવામાં વ્યસ્ત છે." આ નિવેદન દ્વારા તેમણે શિક્ષણ વિભાગની પ્રાથમિકતાઓ અને શિક્ષણમંત્રીની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા.
શાળાઓમાં પ્રવેશ અને શૈક્ષણિક વ્યવસ્થાની માહિતી મેળવવા પર મૂકવામાં આવેલા નિયંત્રણો સામે પણ નયનાબાએ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, "શાળાઓ સરકારના બાપની નથી."
તેમણે દલીલ કરી કે શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ સુધારવાને બદલે તંત્ર નિયંત્રણો લાદીને સત્યને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
નયનાબાએ આક્ષેપ કર્યો કે રાજ્યની શાળાઓમાં શિક્ષણનું સ્તર અને વ્યવસ્થા કથળી ગયાં છે. જનતા જાગૃત થઈ રહી છે અને શાળાઓની ખામીઓ સામે આવી રહી છે, ત્યારે આ વાસ્તવિકતા સામાન્ય લોકો સુધી ન પહોંચે તે માટે જ આ પ્રકારનો પ્રતિબંધિત પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એમ તેમણે આરોપ લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગે શાળાઓમાં બહારની વ્યક્તિઓના પ્રવેશ અને ફોટો-વિડિયો રેકોર્ડિંગ અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. પરિપત્ર મુજબ વિદ્યાર્થીઓની તસવીરો લેવા, વિડિયો ઉતારવા, ઓડિયો રેકોર્ડિંગ કરવા કે લાઇવ સ્ટ્રીમિંગ માટે પૂર્વ મંજૂરી જરૂરી રહેશે. નિયમનો ભંગ થાય તો POCSO હેઠળ કાર્યવાહી સહિતની જોગવાઈ કરવામાં આવી છે.
આ પરિપત્રને લઈને જામનગરમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. નયનાબાના પ્રહારોને પગલે બંને નેત્રીઓ વચ્ચેનો શાબ્દિક વિવાદ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.