સત્ય. સાહસ. સંકલ્પ.

જામનગરના નાગપુરમાં 700 વસ્તી પણ 3 મહિનામાં 431 લગ્ન નોંધણી, RTIમાં ખુલ્યો કૌભાંડનો પોલ

જામનગરના નાગપુરમાં 700 વસ્તી પણ 3 મહિનામાં 431 લગ્ન નોંધણી, RTIમાં ખુલ્યો કૌભાંડનો પોલ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાનકડા નાગપુર ગામમાં માત્ર ત્રણ મહિનામાં 431 લગ્નની નોંધણી થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો RTI (માહિતી અધિકાર) હેઠળ થયો છે. આ ગામની વસ્તી લગભગ 700 અને ઘરોની સંખ્યા 170 જેટલી છે. આ પ્રકરણ બહાર આવતાં વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને તપાસના આદેશ અપાયા છે.

મળતી માહિતી મુજબ, આ સમગ્ર મામલો રાજકોટ જિલ્લાના પડધરી પંથકના ઉદયભાઈ વસંતભાઈ અગ્રાવતની શંકાથી શરૂ થયો હતો. તેમની પુત્રીની ઉંમર 18 વર્ષ 2 મહિના થતાં જ ચોથા દિવસે લગ્ન થઈ ગયા હોવાની અને તેણે ઘર છોડી દીધું હોવાની જાણ થતાં તેમણે તપાસ શરૂ કરી હતી. લગ્નની નોંધણી ક્યાં થઈ છે તે જાણવા માટે તેમણે RTI અરજી કરી, જેમાં કાલાવડ તાલુકાના નાગપુર ગામનું નામ સામે આવ્યું હતું.

વધુ વિગતો મેળવતાં જાણવા મળ્યું કે રાજકોટ, જામનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના અનેક પરિવારોના લગ્ન નાગપુર ગામમાં નોંધાયા છે. RTIના જવાબમાં જણાવાયું છે કે ગામના તલાટી કમ મંત્રી જગદીશભાઈ ચાવડાએ તા. 30-11-2025 થી 25-02-2026 દરમિયાન આ લગ્નોની નોંધણી કરી હતી. આટલા ઓછા સમયગાળામાં આટલી મોટી સંખ્યામાં લગ્ન નોંધાતાં આ મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં એવી લોકવાયકા પ્રચલિત છે કે મહારાષ્ટ્રના નાગપુરથી લગ્ન માટે કન્યાઓ મળે છે. તેથી, જ્યારે કોઈ પરિવારને 'નાગપુર'માં લગ્ન થયાની જાણ થાય ત્યારે તેઓ સ્વાભાવિક રીતે મહારાષ્ટ્રના નાગપુર તરફ તપાસ કરવા દોડતા હતા. પરંતુ RTIમાં સ્પષ્ટ થયું કે આ નોંધણી મહારાષ્ટ્રમાં નહીં, પરંતુ કાલાવડ તાલુકાના નાગપુર ગામમાં થઈ છે. બંને સ્થળોના એકસરખા નામથી ઊભી થતી ગેરસમજનો કોઈ સંગઠિત ટોળકી કે તકવાદી તત્ત્વોએ વ્યવસ્થિત લાભ લીધો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

હાલ પૂરતા ગામના તલાટી કમ મંત્રી પાસેથી લગ્ન નોંધણીનો ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસના આદેશ અપાયા છે. આ કૌભાંડમાં કોના સંડોવણી છે અને શું કારણસર આટલી મોટી સંખ્યામાં લગ્નોની નોંધણી કરવામાં આવી, તે અંગે તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.