સત્ય. સાહસ. સંકલ્પ.

જામનગરમાં 13 વર્ષીય બાળકી સાથે પાડોશી દ્વારા વારંવાર દુષ્કર્મ, પોક્સો હેઠળ ધરપકડ

જામનગરમાં 13 વર્ષીય બાળકી સાથે પાડોશી દ્વારા વારંવાર દુષ્કર્મ, પોક્સો હેઠળ ધરપકડ

જામનગર શહેરના નંદનવન સોસાયટી વિસ્તારમાં 13 વર્ષીય બાળકી સાથે પાડોશી દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. આરોપીની ઓળખ લાલજી લખમણ મકવાણા તરીકે થઈ છે, જે બાળકીના પાડોશમાં જ રહે છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ભોગ બનનાર બાળકી આરોપીની દીકરી સાથે રમવા માટે તેના ઘરે જતી હતી. તે દરમિયાન આરોપીએ તેની સાથે શારીરિક છેડછાડ કરી અને દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. આ અંગે બાળકીના પરિવારજનોએ જામનગરના સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પોલીસે આરોપી લાલજી મકવાણા સામે પોક્સો એક્ટ અને બી.એન.એસ. એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. જામનગર ગ્રામ્યના ઇન્ચાર્જ ડીવાય.એસ.પી.એ જણાવ્યું કે, “સિટી ‘એ’ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ રાત્રે એક પાડોશી દ્વારા તેની બાજુમાં રહેતી સગીર વયની બાળકી સાથે શારીરિક છેડછાડ કરવામાં આવી હતી. આ અંગે પોક્સો અને બી.એન.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી લાલા મકવાણાની અટક કરવામાં આવી છે. પોક્સોની પ્રવર્તમાન ગાઈડલાઇન મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.”

આ ઘટના સમાજ માટે ચિંતાનો વિષય છે. માતા-પિતા અને પરિવારોએ બાળકોની સુરક્ષા અંગે સતર્ક રહેવું જરૂરી છે. બાળકો સાથે ખુલ્લી વાતચીત કરવાનું વાતાવરણ ઊભું કરવું જોઈએ, જેથી તેઓ પોતાની સાથે થતા કોઈપણ અયોગ્ય વર્તન અથવા અસહજ અનુભવ વિશે વહેલી તકે પરિવારને જણાવી શકે.